Congress: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વધુ એક સાંસદનું રાજીનામું
નવી દિલ્હી: આવતી કાલે ચુંટણી પંચ લોકસભા ચૂંટણી માટેની તારીખોની જાહેર કરશે, એ પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આસામના બારપેટાથી કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીક(Abdul Khaleque)એ પાર્ટી છોડી દીધી છે. ટિકિટ ન મળવાથી નારાજ સંસદે રાજીનામું આપી દીધું છે.
અબ્દુલ ખાલિક હાલમાં આસામની બારપેટા લોકસભા બેઠક પરથી સાંસદ છે, પરંતુ પાર્ટીએ આ વખતે તેમને ટિકિટ આપી નથી. તેમના સ્થાને આસામ પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ દીપ બયાનને આ બેઠક પર ટીકીટ આપવામાં આવી છે.
ટિકિટની જાહેરાત થતાં જ નારાજ અબ્દુલ ખાલીક પાર્ટી છોડી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ટિકિટ કપાયા બાદ અબ્દુલ ખાલીકે કહ્યું હતું કે કોંગ્રેસ આસામમાં મુસ્લિમ સમુદાયની અવગણના કરી રહી છે. અંતે તેમણે આજે રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસ પાર્ટીએ 12 માર્ચે આગામી લોકસભા ચૂંટણી માટે આસામ માટે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટી આસામની 14માંથી 13 બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેણે સાથ પક્ષ આસામ રાષ્ટ્ર પરિષદ (AJP)ને એક બેઠક આપી છે. પાર્ટીના સાંસદ ગૌરવ ગોગોઈ જોરહાટથી જ્યારે સાંસદ પ્રદ્યોત બોરદોલોઈ તેમની સીટ નાગાંવથી ચૂંટણી લડશે. અસમ રાષ્ટ્ર પરિષદના પ્રમુખ લુરીનજ્યોતિ ગોગોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ડિબ્રુગઢથી ચૂંટણી લડશે.