
ગુવાહાટી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે એવો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ એવા જુઠાણાં ચલાવી રહી છે કે ભાજપ ત્રીજી વખત સત્તામાં પુનરાગમન કરશે તો બંધારણને બદલવાનો ઈરાદો ધરાવે છે અને આરક્ષણને ખતમ કરવા માગે છે.
શાહે એમ પણ કહ્યું હતું કે ભાજપ પોતાના 400 પારના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લોકોના આશિર્વાદ અને સમર્થનથી આગળ વધી રહી છે.
કૉંગ્રેસ એવા જુઠાણાં ચલાવી રહી છે કે ભગવી પાર્ટી બંધારણ બદલીને આરક્ષણ ખતમ કરવા માગે છે. અમે ક્યારેય મતદારોને લઘુમતી કે બહુમતીના દ્રષ્ટિકોણથી જોતા નથી. ભાજપ આસામમાં લોકસભાની 14માંથી 12 બેઠક જીતશે એવો દાવો અમિત શાહે કર્યો હતો.
આપણ વાંચો: અમિત શાહે ચૂંટણીના પરિણામ અંગે કર્યો મોટો દાવો, ‘અમે પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ’
ભાજપના સિનિયર નેતાએ કૉંગ્રેસ પર પહેલેથી જ તુષ્ટિકરણ માટે જુઠાણાં ચલાવવાની રાજનીતિ કરી છે. તેઓ પોતાનો જે થોડો ટેકેદાર વર્ગ બચ્યો છે તેને સાચવી લેવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.
ભાજપ ધર્મને આધારે અનામતમાં માનતી નથી અને અમે સમાન નાગરી ધારો દેશમાં લાગુ કરવાની તરફેણમાં છીએ. અમે સુનિશ્ર્ચિત કરવા માગીએ છીએ કે દેશમાં બધા જ ધર્મના લોકો માટે એક જ કાયદો હોય, એમ તેમણે કહ્યું હતું.
એક બિનસાંપ્રદાયિક દેશમાં ધર્મના આધારે કોઈ કાયદા હોઈ ન શકે અને આ તો બંધારણના મૂળ તત્વના વિરોધમાં છે, એમ પણ અમિત શાહે કહ્યું હતું.
કૉંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં જે મુસ્લિમ પર્સનલ લોને લાવવાની વાત કરવામાં આવી છે તેની ભાજપ નિંદા કરે છે, એમ પણ તેમણે કહ્યું હતું.
સોશ્યલ મીડિયા પર ફરી રહેલા ‘નકલી વીડિયો’ બાબતે તેમણે કહ્યું હતું કે વિપક્ષો દ્વારા જુઠાણાં ફેલાવવા માટે આવા બધા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. (પીટીઆઈ)