કૉંગ્રેસ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે: મોદી
ગિરિડીહ (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ અત્યંત શરમજનક રાજકારણમાં સંકળાઈ છે અને રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે.
જેએમએમ, કૉંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને વંશવાદના રાજકારણનો સૌથી મોટો આદર્શ બન્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ભારતને આ બધા દુર્ગુણોથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે.
આ પણ વાંચો: PM મોદી પાસે છે સોનાની 4 વીંટી, પત્નીના નામમાં જશોદાબેનનો કર્યો ઉલ્લેખ
ઝારખંડના ગિરિડીહમાં જાહેર રેલીને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓ દ્વારા રામ મંદિર માટે શરમજનક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. તેમના નેતાઓ રામ લલ્લાને ફરી એકવાર તંબુમાં મોકલવાનો કારસો ઘડી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે રામ મંદિરનો ચુકાદો આવ્યો ત્યાં સુધી રામ લલ્લાની મૂર્તિ તંબુમાં હતી.
તેઓ ફરી રામ મંદિર પર તાળા લગાવવા માગે છે એવો દાવો કરતાં તેમણે આવી ભ્રષ્ટ તાકાતોને ફેંકી દેવાની અપીલ જનતાને કરી હતી.
આ પણ વાંચો: PM મોદીની કથિત ‘હેટ સ્પિચ’ સામે કરાયેલી અરજી સુપ્રિમે ફગાવી, અરજીકર્તાઓને કર્યું આ સૂચન
મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે દેશ પર નક્સલવાદ લાદ્યો અને તેને કારણે અનેક પરિવારો બરબાદ થઈ ગયા, જ્યારે ભાજપે દેશમાં નક્સલવાદી હિંસા પર નિયંત્રણ લાવી દેખાડ્યું છે.
ઝારખંડના આદિવાસી વિસ્તારોને નક્સલવાદની સૌથી વધુ ઝાળ લાગી છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વડા પ્રધાન તરીકે ત્રીજી વખતની મુદતમાં તેઓ દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદનો સફાયો કરી નાખશે.
જેએમએમના નેતૃત્વ હેઠળનું સત્તાધારી ગઠબંધન રાજ્યમાં ઘુસણખોરોને આશ્રય આપી રહ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો: નરેંદ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરવા કેમ આજનો જ દિવસ પસંદ કર્યો ? જાણો કારણ……
તેમણે કહ્યું હતું કે તેમની સૌથી મોટી પ્રાથમિકતા વંચિત સમાજ માટે કામ કરવાનું રહેશે.
તેમણે એમ કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન મોદીની કબર ખોદવાના સપના જોઈ રહ્યું છે, પરંતુ જનતાના પ્રેમ અને લાગણીનું સુરક્ષા કવચ મોદીની રક્ષા કરી રહ્યું છે.
હું રાજ પરિવારમાં જન્મ્યો નથી. હું ગરીબ હતો, હું ગરીબીમાં જીવ્યો છું અને મારા લોકોને તેમાંથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. આજ કારણ છે કે સરકારે આયુષ્યમાન ભારત યોજના ગરીબોને આરોગ્ય સુવિધા આપવા માટે બનાવી હતી. ઝારખંડના દેવઘર સહિત અનેક સ્થળે એઈમ્સની સ્થાપના કરી હતી. સરકાર 80 કરોડ લોકોને આગામી પાંચ વર્ષ સુધી નિ:શુલ્ક અનાજ આપશે.
(પીટીઆઈ)