મમતાએ ભાવ ન આપતા બંગાળમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે! કેવા છે રાજ્યમાં કોંગ્રેસના હાલ જાણો

કોલકાતા: લોકસભા ચૂંટણીમાં ભાજપની આહેવાની હેઠળના ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ને હરાવવા માટે વિપક્ષીદળો એક સાથે આવ્યા હતાં અને INDIA ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ સફળતા મળી ન હતી. ત્યાર બાદ વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં INDIA સતત વિખારાતું જોવા મળ્યું છે, આ વર્ષે પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ આવું જ ચિત્ર દેખાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ (TMC) સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે, બંને પક્ષોના ઉમેદવારો આમને સામને જોવા મળશે.
મમતા બેનર્જીએ ભાવ ન આપ્યો:
અહેવાલ મુજબ કોંગ્રેસનો TMC સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છતી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મમતા સાથે બેઠક કરી હતી, જેમાં આ બાબતે સહમતી બની શકી ન હતી. અહેવાલ મુજબ મમતા બેનર્જીએ કોગ્રેસ સાથે ગઠબંધન કરવામાં રસ દાખવ્યો ન હતો. TMCએ કોંગ્રેસને ફક્ત બે બેઠકો ઓફર કરી હતી, જે ઓફર કોંગ્રેસે સ્વીકારી ન હતી.
ભાજપને લાભ થશે:
પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓ સાથેની બેઠક બાદ કોંગ્રેસ નેતૃત્વએ આ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે, કોગ્રેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. બંગાળમાં કોંગ્રેસ અગાઉ ઘણી વાર ડાબેરી પક્ષો સાથે મળીને ચૂંટણી લડી ચુકી છે, પરંતુ આ વખતે, ડાબેરીઓ સાથે પણ ગઠબંધન ન બની શક્યું. ચૂંટણીમાં TMC, કોંગ્રેસ, ભાજપ અને ડાબેરી પક્ષો વચ્ચે જંગ જામશે, જાણકારોનાં મત મુજબ આ પરિસ્થિતિનો સીધો લાભ ભાજપને થઇ શકે છે.
કોંગ્રેસની બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે કોંગ્રેસ લગભગ 65 બેઠકો પર સારું પ્રદર્શન કરી શકે છે અને 5 થી 7 બેઠકો જીતી પણ શકે છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનાં હાલ:
પશ્ચિમ બંગાળ વિધાન સભા ચૂંટણી 2016માં કોંગ્રેસે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું હતું, કોંગ્રેસે 92 બેઠકો પર ચૂંટણી લડી અને 44 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને એક પછી એક કારમી હાર મળી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં ડાબેરીઓ સાથે ગઠબંધન છતાં, કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી.
આવી સ્થિતિમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડીને શું મેળવશે એ પ્રશ્ન છે.
આપણ વાંચો: ઓલા, ઉબેર, રેપિડોથી મુસાફરી કરો છો? તો આ વાંચી લો,નહીં તો તકલીફ પડી શકે છે



