કોંગ્રેસને દાઝ્યા પર ડામ, પહેલા હાઇકોર્ટે અરજી ફગાવી હવે આવકવેરા વિભાગે રૂ. 1700 કરોડની નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો હતો. ત્યારબાદ હવે આવકવેરા વિભાગે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે .આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ આપી છે. આ નોટિસ સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. ટેક્સ નોટિસને પડકારતી કૉંગ્રેસ પાર્ટીની અરજીને ગુરુવારે કોર્ટે ફગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લેટેસ્ટ નોટિસ 2017-18થી 2020-21ના એસેસમેન્ટ વર્ષ માટે છે, તેમાં પેનલ્ટી અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.
આવકવેરા સત્તાવાળાઓએ રૂ. 210 કરોડનો દંડ લાદ્યા અને તેના બેંક ખાતાઓ ‘ફ્રીઝ’ કર્યા બાદ કોંગ્રેસ પહેલેથી જ ભંડોળની તંગીનો સામનો કરી રહી છે. પક્ષને આ મામલે હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને હવે ટૂંક સમયમાં તે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. કૉંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (BJP) પર 19 એપ્રિલથી શરૂ થનારી લોકસભા ચૂંટણી પહેલા તેને આર્થિક રીતે પાયમાલ કરવાનો અને તેની સામે ટેક્સ અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આયકર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં કૉંગ્રેસના ટેક્સ રિટર્નમાં કેટલીક અનિયમિતતાઓ જોવા મળી હતી અને તેથી તેણે પાર્ટી પર 200 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા.
કૉંગ્રેસે જણાવ્યું હતું કે ITAT દ્વારા પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવાનો આદેશ અયોગ્ય અને લોકશાહી પર હુમલો છે, કારણ કે આ આદેશ લોકસભાની ચૂંટણી પહેલા આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડ રદ્દ કર્યા બાદ રાજકીય પક્ષોને ચૂંટણી માટે ભંડોળ એક મહત્વનો મુદ્દો બની ગયો છે. કૉંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ આ નિર્ણયને આવકાર્યો હતો કારણ કે ભાજપને સૌથી વધુ ફાયદો કરાવતી ઇલેક્ટોરલ બૉન્ડ યોજના રદ્દ થઇ ગઇ હતી.