ચીન અંગે Sam Pitroda ના નિવેદનથી રાજકીય વિવાદ, કોંગ્રેસે કહ્યું આ અમારા વિચાર નહિ

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વચ્ચે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના(Sam Pitroda)ચીન અંગેના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. જેમાં કોંગ્રસે આ નિવેદનથી પોતાને અલગ કરી લીધી છે. તેમજ કહ્યું છે આ નિવેદન તેમનું અંગત છે આ વિચારો કોંગ્રેસના નથી. સામ પિત્રોડાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, સામ પિત્રોડાએ ચીન પર વ્યક્ત કરેલા કથિત વિચારો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિચારો નથી. આપણી વિદેશ નીતિ, બાહ્ય સુરક્ષા અને આર્થિક ક્ષેત્ર માટે ચીન સૌથી મોટો પડકાર છે. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મોદી સરકારના ચીન પ્રત્યેના અભિગમ પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં 19 જૂન 2020 ના રોજ પ્રધાન મંત્રી દ્વારા જાહેરમાં ચીનને આપવામાં આવેલી ક્લીનચીટનો પણ સમાવેશ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે ચીન પર અમારું સૌથી તાજેતરનું નિવેદન 28 જાન્યુઆરી, 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તે પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે સંસદને આ પરિસ્થિતિ પર ચર્ચા કરવાની અને આ પડકારોના અસરકારક ઉકેલો શોધવા માટે સામૂહિક સંકલ્પ વ્યક્ત કરવાની તક આપવામાં નથી આવતી
Also read:મિજાજ મસ્તી ઃ એક ‘અગાથા’ની ગાથા: ‘ગુમનામ’ની નામચીન લેખિકા
ભારત-ચીન વિવાદને મોટો બનાવીને રજૂ કરવામાં આવે છે
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ સોમવારે કહ્યું કે ભારત-ચીન વિવાદને ઘણીવાર મોટો બનાવીને રજૂ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારતનું વલણ શરૂઆતથી જ સંઘર્ષાત્મક રહ્યું છે. ગયા અઠવાડિયે પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત-ચીન વિવાદ ઉકેલવા અંગે ટ્રમ્પની ટિપ્પણી બાદ તેમણે આ વાત કહી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની આ ઓફર ભારત સરકારે નકારી કાઢી હતી.
ચીનને દુશ્મન માનવાનું બંધ કરવાની જરૂર
તેમણે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે બધા દેશો એકબીજાને સહયોગ કરે, અથડામણ ન કરે.’ શરૂઆતથી જ આપણો અભિગમ સંઘર્ષાત્મક રહ્યો છે અને આ વલણ દુશ્મનો પેદા કરે છે. આપણે આ પેટર્ન બદલવાની જરૂર છે અને પહેલા દિવસથી જ ચીનને દુશ્મન માનવાનું બંધ કરવાની જરૂર છે. આ ફક્ત ચીન સાથે જ નહીં પરંતુ દરેક સાથે અયોગ્ય છે. હવે સમય આવી ગયો છે કે આપણે વાતચીત વધારતા શીખીએ. સહયોગ કરો અને સહ-નિર્માણ કરો.