નેશનલ

યમનમાં નર્સ નિમિષા પ્રિયાની ફાંસીનો આદેશ: કોંગ્રેસે PM મોદીને યમનમાં ફાંસી રોકવા હસ્તક્ષેપની માંગ કરી!

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેરળ મૂળના નર્સ નિમિષા પ્રિયાની ફાંસીના આદેશ પર હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, વેણુગોપાલે કહ્યું હતું કે પ્રિયા વિદેશી ધરતી પર અકલ્પનીય ક્રૂરતા અને ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બની છે. તેમણે કહ્યું કે નિમિષા પ્રિયાની ફાંસીની સજા એ ન્યાયનો ઘોર ઉપહાસ છે.

ફાંસીની સજા એ ન્યાયનો ઘોર ઉપહાસ

કોંગ્રેસ મહાસચિવએ પોતાની પોસ્ટમાં કહ્યું, “નિમિષા પ્રિયાને ફાંસીની સજા એ ન્યાયનો ઘોર ઉપહાસ છે. તે વિદેશી ધરતી પર અકલ્પનીય ક્રૂરતા અને ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બની છે, જેને મોતને આરે ધકેલી દેવામાં આવી છે.” તેમણે વધુમાં કહ્યું, “મેં વડાપ્રધાનને પત્ર લખીને તેની ફાંસી રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.” કેરળની આ નર્સને ૧૬ જુલાઈના રોજ યમનમાં ફાંસી પર ચઢાવવામાં આવનાર છે.

આ પણ વાંચો: યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાને મૃત્યુદંડથી બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી, રાજકીય હસ્તક્ષેપની માંગ…

વડાપ્રધાનને લખેલા પોતાના પત્રમાં, વેણુગોપાલે જણાવ્યું કે, “જોકે એક્શન કાઉન્સિલ અને તેના પરિવારે પીડિતાના પરિવાર પાસેથી ‘બ્લડ મની’ સ્વીકારવા માટે વાતચીત કરવાના પ્રયાસ કર્યા છે, જેનાથી તેનો જીવ બચી શકે છે, પરંતુ ચાલી રહેલા ગૃહયુદ્ધ અને અન્ય આંતરિક અશાંતિને કારણે આ વાટાઘાટોને ગંભીર પડકારોનો સામનો કરવો પડ્યો છે.” તેમણે વડાપ્રધાનને નર્સને મોતની સજામાંથી મુક્ત કરાવવા માટે યમનના અધિકારીઓ સાથે તમામ સંભવિત રાજદ્વારી પગલાં લેવા અને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.

નિમિષા કેરળના પલક્કડની રહેવાસી

ઉલ્લેખનીય છે કે નિમિષા કેરળના પલક્કડની રહેવાસી છે. તેમની માતાનું નામ પ્રેમા કુમારી છે. ગયા વર્ષે તેઓ યમનમાં જ હતાં. નિમિષા ઘણા વર્ષો સુધી યમનમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. 2017 માં તેમના પર યમનના એક નાગરિકની હત્યાનો આરોપ લાગ્યો હતો. યમનમાં મૃતક તલાલના સહયોગથી નિમિષા ક્લિનિક ચલાવતી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માનસિક અને શારીરિક શોષણથી કંટાળીને તેમણે તલાલની હત્યા કરી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button