Jammu Kashmir માં આતંકી હુમલા બાદ કોંગ્રેસની નક્કર પગલાની માગ, આતંકવાદ નાબૂદી માટે યુદ્ધની અપીલ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. કઠુઆમાં સેનાના વાહન પર ઓચિંતા હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ જવાન ઘાયલ પણ થયા હતા. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે સરકારને મોટી અપીલ કરી છે. નેતાઓએ સરકારને આતંકવાદ સામે યુદ્ધ શરૂ કરવા અપીલ કરી છે.
નિર્ણાયક યુદ્ધ શરૂ થવું જોઈએ : કોંગ્રેસ
જમ્મુ ક્ષેત્રમાં એક મહિનામાં આ પાંચમો આતંકવાદી હુમલો હતો. નેતાઓએ ખાસ કરીને જમ્મુ ક્ષેત્રમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા વિકાર રસૂલ વાનીએ કહ્યું કે અમે જમ્મુ ક્ષેત્રમાં બગડતી સુરક્ષા સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છીએ. સરકાર નિર્ણાયક પગલાં લે તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સશસ્ત્ર દળો, સુરક્ષાકર્મીઓ, પોલીસ અને નાગરિકોના જીવનની સુરક્ષા માટે આતંકવાદ સામે સંપૂર્ણ પાયે યુદ્ધ શરૂ કરવું જોઈએ.
નક્કર પગલાંની જરૂર છે : રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં સૈનિકો પરના આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદી હુમલાઓ સામે “ખોટા ભાષણો” અને “ખોટા વચનો” હવે પૂરતા નથી, પરંતુ નક્કર કાર્યવાહીની જરૂર છે.
આ સંસ્થાએ જવાબદારી લીધી
જમ્મુ-કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં થયેલા આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના સંગઠને લીધી છે. કાશ્મીર ટાઈગર્સે ભારતીય સેનાના કાફલા પર હુમલો કર્યો. પત્ર જારી કરીને તેણે આ હુમલાની જવાબદારી લીધી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે મુજાહિદ્દીને ગ્રેનેડ અને સ્નાઈપર રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ મુજાહિદ્દીન સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.