કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે વડાપ્રધાન મોદી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી
નવી દિલ્હી: કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નફરતભર્યું ભાષણ આપવાનો આરોપ મૂક્યો હતો અને કોંગ્રેસે ચૂંટણી પંચને તેમની સામે પગલાં લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાને મતદારોને કહ્યું હતું કે તમે એવી રીતે કમળનું બટન દબાવજો જાણે કે કોંગ્રેસને “મૃત્યુની સજા” આપી રહ્યા હોય.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે બુધવારે બાડમેરમાં આપેલા વડાપ્રધાનના ભાષણનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજ્યના લોકો વડાપ્રધાનના આ ‘અહંકાર’નો ચોક્કસ જવાબ આપશે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, “જબ નાશ મનુજ પે છતાં હૈ, પહેલે વિવેક મર જાતા હૈ.”
જયરામ રમેશે આરોપ લગાવ્યો, કોંગ્રેસના નેતાઓ પ્રત્યે વડાપ્રધાન મોદીની નફરતનો અંદાજ તેમના નિવેદનો પરથી સરળતાથી લગાવી શકાય છે. વડાપ્રધાન જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ મતદાન દ્વારા લોકોને ફાંસી આપવાની વાત કેવી રીતે કરી શકે? વડાપ્રધાન લોકશાહીનું ગળું દબાવી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ માંગણી કરી, “આ નફરતના ભાષણનું સ્પષ્ટ ઉદાહરણ છે. જો ચૂંટણી પંચ નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી માટે ગંભીર છે, તો તેમણે તરત જ આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં ભરવા જોઈએ.” તેમણે તેમની પોસ્ટમાં એમ પણ કહ્યું, વડાપ્રધાન મોદીના આ ઘમંડનો જનતા ચોક્કસપણે ચૂંટણીમાં જવાબ આપશે.
રાજસ્થાનના બાડમેરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, તમને તેમને સજા કરવાની તક મળી છે. તેમની સજા સુનિશ્ચિત કરવા માટે કમળના પ્રતીક સાથેનું બટન દબાવો. કમળના પ્રતીક પરનું બટન એવી રીતે દબાવો જાણે તમે તેમને ફાંસીએ લટકાવી રહ્યાં હોવ.
કમળ એ ભારતીય જનતા પાર્ટી (BJP)નું ચૂંટણી પ્રતીક છે.