નેશનલ

જ્યોર્જ સોરોસ અંગે કોંગ્રેસે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો, પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી: અમેરિકામાં ગૌતમ આદાણી પર લાગેલા આરોપો બાબતે કોંગ્રેસ સતત ભાજપને ઘેરી રહી છે, સરકાર આ મામલે ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી, જેને કારણે સંસદના શિયાળુ સત્ર(Indian Parliament)ની શરૂઆત જ હોબાળા સાથે થઇ હતી. એવામાં ભાજપે સોનિયા ગાંધીનું નામ અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ (George Soros)ના કેસ સાથે જોડ્યું છે, જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે હવે આક્રમક વલણ દાખવ્યું છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ જ્યોર્જ સોરોસના મુદ્દે મોદી સરકારને સીધો પડકાર ફેંક્યો છે.

ભાજપના આરોપ:
સોમવારે જ્યોર્જ સોરોસ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો અને ભાજપના સાંસદોએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસના સંબંધો માત્ર એવા લોકો સાથે જ કેમ છે જેઓ દેશની વિરુદ્ધ છે. ભાજપે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળનું ફાઉન્ડેશન જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મળે છે છે, જે કાશ્મીરને અલગ કરવા માંગે છે.

કોંગ્રેસનો બળતો જવાબ:
પવન ખેડાએ X પર લખ્યું, ‘પોતાના મિત્રને બચાવવા માટે, મોદીજી ભારતના મિત્ર દેશો સાથે સંબંધો બગાડી રહ્યા છે અને ભારતના દુશ્મન દેશોને ક્લીનચીટ આપી રહ્યા છે. જો સોરોસ આટલો મોટો મુદ્દો છે તો પ્રત્યાર્પણની કાર્યવાહી કરો અને એ પણ જણાવો કે બીજેપીના કયા નેતાના બાળકોને વિદેશમાં શિક્ષણ માટે કયા ફાઉન્ડેશનમાંથી શિષ્યવૃત્તિ મળી? ‘

એટલું જ નહીં, તેમણે ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા બે ફાઉન્ડેશનના ફંડિંગ પર પણ સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે તેમને ચીનમાંથી પૈસા મળે છે.

કોંગ્રેસ નેતાએ પવન ખેડાએ લખ્યું કે, ‘ઈન્ડિયા ફાઉન્ડેશન અને વિવેકાનંદ ફાઉન્ડેશનને ચીનમાંથી ક્યારે અને કેટલા પૈસા મળ્યા? એસ્પેન સંસ્થા સાથે એસ. જયશંકરના પુત્રના સંબંધો કેવા હતા? જર્મન માર્શલ ફંડ સાથે તેના સંબંધો કેવા હતા? જ્યોર્જ સોરોસ સાથે ઉપરોક્ત બે સંસ્થાઓ વચ્ચે શું સંબંધ છે?’

પ્રિયંકા ગાંધીનો જવાબ:
સોનિયા ગાંધીના દીકરી અને વાયનાડ બેઠક પરથી સાંસદ પ્રિયંકા ગાંધી ભાજપના આરોપો અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સોરોસ મુદ્દો 1994નો છે જેનો કોઈની પાસે કોઈ રેકોર્ડ નથી. તેઓ શું વાત કરી રહ્યા છે અને શા માટે વાત કરી રહ્યા છે તે કોઈને ખબર નથી. તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે, તે બધું એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેઓ અદાણી કેસ પર ચર્ચા નથી ઈચ્છતા.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ જાણે છે કે લાંચ લેવામાં આવી છે. તેઓ જાણે છે કે લોકો વીજળીના મોટા બિલોથી પરેશાન છે. તેઓ જાણે છે કે તેમની પાસે આનો કોઈ જવાબ નથી.
તેમણે કહ્યું કે અમે ગૃહ ચલાવવા માંગીએ છીએ પરંતુ સરકાર અદાણી મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી. એટલા માટે તેઓ છુપાઈ રહ્યા છે જેથી ગૃહનું કામકાજ ન થાય અને તેમને જવાબ આપવો ન પડે.

ભાજપનો દાવો:
ભાજપે સોમવારે દાવો કર્યો હતો કે ફોરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP) ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી, જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંકળાયેલા છે. ભાજપે કહ્યું કે આ સંગઠન જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીનું આ રાષ્ટ્ર વિરોધી સંગઠન સાથે જોડાણ ચિંતાજનક છે.

Also Read – લોકસભામાં ગુંજ્યો સોનિયા ગાંધી સાથે સોરોસ કનેક્શન મુદ્દો, ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઇ 

કોણ છે જોર્જ સોરોસ?
હંગેરીમાં એક યહૂદી પરિવારમાં જન્મેલા જ્યોર્જ સોરોસે બ્રિટનમાં લાંબો સમય વિતાવ્યો છે. હાલમાં, તે એક અમેરિકન ઉદ્યોગપતિ છે અને વિશ્વના ટોચના ધનિક લોકોમાંના એક છે. તેમના પર ધનનો ઉપયોગ કરીને ઘણી સરકારોને અસ્થિર કરવાનો પણ આરોપ છે. જ્યોર્જ સોરોસ પર બેન્ક ઓફ ઈંગ્લેન્ડને બરબાદ કરવાનો આરોપ છે. તેમણે હેજ ફંડ મેનેજર તરીકે બ્રિટિશ કરન્સી પાઉન્ડને શોર્ટ કરીને અબજોનો નફો કર્યો હોવાનું કહેવાય છે. સોરોસ પર ભારતીય અર્થવ્યવસ્થાને નબળી પાડવાનો પણ આરોપ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button