નેશનલ

હરિયાણામાં હારેલા કોંગી ઉમેદવારોએ હૈયા ખોલ્યા, કહ્યું “ઘર ફૂટે ઘર જાય”

નવી દિલ્હી: હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ કારણોની તપાસ માટે એક કમિટી નીમવામાં આવી છે. તપાસ કરી રહેલી કમિટિનું માનવું છે કે અનેક ટિકિટના દાવેદારો, પાર્ટીના આંતરિક જૂથો વચ્ચે ષડયંત્ર, મોટા નેતાઓની રેલીઓ વિશે લોકોમાં માહિતીનો અભાવ અને તેમાં ભાજપની જાટ વિરોધી મતોનું ધ્રુવીકરણમાં સફળતા પક્ષની હારનું સાચું કારણ છે. કમિટી હારેલા ઉમેદવારો સાથે વાત કરીને આ નિષ્કર્ષ પર પહોંચી હોય તો આ માત્ર ઉપરછલ્લા તારણો જ સાબિત થવાના છે અને તેનાથી કઈ ફરક આવશે નહિ.

તો શું માત્ર આ જ કારણો જવાબદાર હતા? જેનાથી કોંગ્રેસ રાજ્યમાં ભાજપ વિરોધી ઉઠેલા જુવાળનો લાભ ન ઉઠાવી શકી. કમિટીએ જે કારણો બતાવ્યા છે તે જરૂરી અને મહત્વના કારણોથી શાહમૃગની જેમ રેતીમાં મોઢું સંતાડી દેવા સમાન છે. કોઇપણ રાજકીય પક્ષ હોય અહી સત્યને ખૂબ જ ઓછું સામે લાવવામાં આવે છે. તપાસકર્તા અને સાક્ષી બનેલ વ્યક્તિ બંને જાણે છે કે આવા તારણોનો કોઈ અર્થ નથી. કારણ કે હાઇ કમાન્ડ સામે બોલવું એટલે મગરના મોંમાં હાથ દેવા સમાન સ્થિતિ છે.

હુડ્ડા જૂથના લીધે જ હું હાર્યો:

એક ઉમેદવારનો હવાલો આપતા એક અંગ્રેજઇ અખબારે લખ્યું હતું કે ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે હુડ્ડા જૂથના લોકો ખુલ્લેઆમ તેમની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. તેઓ લોકોને કહેતા હતા કે હું ના જિતવો જોઈએ. મેં સમિતિને એ પણ કહ્યું કે ભાજપને જાટ વિરોધી મતોના ધ્રુવીકરણથી ફાયદો થયો. રાહુલ ગાંધી સાથે મંચ પર હોવા છતાં પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ મારા માટે મત માગ્યા ન હોવાથી મે જાટોના મતો પણ ગુમાવ્યો અને બીજેપી દ્વારા ફેલાવવામાં આવેલા નારાને કારણે અન્ય સમુદાયોએ મને મત ન આપ્યો.

પ્રદેશ કોંગ્રેસ કમિટી પર આરોપ:

ચૂંટણીમાં હારેલા એક અન્ય એક ઉમેદવારે કહ્યું કે રાજ્યમાં કોઈને વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કાર્યક્રમોની જાણ નથી, આથી સામાન્ય લોકો સુધી તેમની વાતો પહોંચી જ નથી. કોંગ્રેસના અન્ય ઉમેદવારે કહ્યું કે મેં બઘેલ જી અને ચૌધરી જીને કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન PCCના લોકોનો સંપર્ક થઈ શકતો નથી, અરે તેમની સાથે તો ફોન પર વાત કરવી પણ મુશ્કેલ હતી. અટેલીથી ભાજપના આરતી સિંહ રાવ સામે હારી ગયેલી અનિતા યાદવે પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને સ્થાનિક વહીવટીતંત્રના દબાણને પોતાની હારના કારણો ગણાવ્યા હતા.

કેન્દ્રીય નેતૃત્વ અપજશથી દૂર ભાગશે?

એક અન્ય કારણ એ હતું કે કોંગ્રેસે શોરૂમ તો ખોલી નાખ્યા પરંતુ ઘરે ઘરે પહોંચવા માટે એજન્ટો જ ગાયબ હતા. જો હુડ્ડા પોતાની ચલાવી રહ્યા હતા, તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ યોગ્ય રીતે કામ કરતી ન હતી. જો પ્રદેશ કોંગ્રેસ સમિતિ યોગ્ય રીતે કામ કરતી ન હતી તો હાઈકમાન્ડ શું કરી રહ્યા હતા? શું કેન્દ્રીય નેતૃત્વમાં કોઈ રાહુલ ગાંધીનું નામ પણ નહિ લે? અથવા રાહુલ ગાંધીને બચાવવા માટે હુડ્ડા, પિતા-પુત્રનું બલિદાન આપી દેશે. હુડ્ડા પિતા-પુત્ર ના હોત તો કોંગ્રેસને 37 બેઠકો પણ ન મળી હોત.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button