નેશનલ

Loksabha Election 2024 : સુરત, ઈન્દોર બાદ હવે પુરીથી કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, ટિકિટ પરત આપી

દેશભરમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર દ્વારા ટિકિટ પરત આપવાના અથવા ચૂંટણી નહિ લડવામાં કિસ્સા વધી રહ્યા છે. જેમાં ગુજરાતના સુરત અને મધ્ય પ્રદેશના ઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી. પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. આ બેઠક પર સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચરિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમારજીને કહ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.

પુરીમાં મારા પ્રચારમાં મારી પાસે જે હતું તે બધું મેં આપી દીધું

સુચરિતાએ વધુમાં કહ્યું કે, હું એક પગારદાર વ્યાવસાયિક પત્રકાર હતી. મેં 10 વર્ષ પૂર્વે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પુરીમાં મારા પ્રચારમાં મેં મારું સર્વસ્વ આપી દીધું છે. મેં પ્રગતિશીલ રાજકારણ માટે જાહેર દાનની ઝુંબેશ પણ ચલાવી હતી પરંતુ મને વધુ સફળતા મળી નથી. મેં અંદાજિત ઝુંબેશ ખર્ચને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો. આ પછી પણ કંઈ થયું નહીં.

હું પૈસા ભેગા ન કરી શકી

કોંગ્રેસના ઉમેદવાર સુચરિતાએ કહ્યું કે હું મારી જાતે ફંડ એકઠું કરી શકી નથી, તેથી મેં તમારા અને અમારી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખટખટાવ્યા અને તેમને પુરી સંસદ બેઠક પર ચૂંટણી પ્રચાર માટે જરૂરી ભંડોળ પૂરું પાડવા વિનંતી કરી. પરંતુ મને કોઈ સમર્થન મળ્યું નહીં. સુચરિતાએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે માત્ર ભંડોળની અછત અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે.

ઈન્દોરમાં આંચકો, અક્ષય બામે નોમિનેશન પાછું ખેંચ્યું

તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. આ પછી તેઓ ભાજપમાં જોડાયા. નોમિનેશનની છેલ્લી તારીખના એક દિવસ પૂર્વે બામે આવું કર્યું હતું. અક્ષયે 24 એપ્રિલે ઈન્દોરથી ઉમેદવારી નોંધાવી હતી. ઈન્દોરના સાંસદ શંકર લાલવાણી ભાજપના ઉમેદવાર છે. લાલવાણી વર્તમાન સાંસદ પણ છે.

સુરતમાં શું હતો મામલો?

આ પૂર્વે ગુજરાતના સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. તેના પ્રસ્તાવકોની સહીઓમાં કેટલીક ભૂલો હતી. આ પછી, તે બેઠક પરના તમામ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા. આ પછી સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button