ગઠબંધનમાં તિરાડઃ કેજરીવાલ અને આતિશી સામે કાર્યવાહી કરવાની કૉંગ્રેસે કરી માગ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનો સમય ધીમે ધીમે નજીક આવવાની સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. નવી દિલ્હી સીટથી કૉંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળીને તેમને ત્રણ ફરિયાદકરી છે. સંદીપ દીક્ષિતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી મહિલા સમ્માન યોજના અંતર્ગત થઈ રહેલા રજિસ્ટ્રેશન પર અખબારોમાં દિલ્હી સરકારે આપેલી જાહેરાતનો ઉલ્લેખ કરી આમ આદમી પાર્ટી પર મહિલાઓ સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત દિલ્હી પોલીસને કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉપરાંત આ મામલે આમ આદમી પાર્ટી સામે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે કલમ 420 અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંદીપ દીક્ષિતે એલજીને બીજી લેખિત ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, પંજાબ પોલીસ તેની જાસૂસી કરી રહી છે. ફરિયાદમાં તેણે કહ્યું, પંજાબ પોલીસના બે જવાન તેના ઘરની નજીક જોવા મળ્યા હતા. આ વાતની પુષ્ટિ પંજાબ પોલીસના સૂત્રોએ પણ કરી છે, જોકે સંદીપે કહ્યં કે, તેઓ આ પ્રકારની ગતિવિધિથી ડરવાના નથી.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણીઃ AIMIM શાહરૂખ પઠાણને આપી શકે છે ટિકિટ, હિંસા સમયે પોલીસ પર તાકી હતી પિસ્તોલ
ગેરકાયદે રૂપિયા મોકલવાની ફરિયાદ
સંદીપ દીક્ષિત દ્વારા કરવામાં આવેલી ત્રીજી ફરિયાદમાં પંજાબ સરકાર પર પોલીસ વાહનો દ્વારા દિલ્હીમાં ગેરકાયદે રીતે પૈસા મોકલવાનો આરોપ લગાવ્યો છે. સંદીપ દીક્ષિતે લખ્યું છે, કેટલાક અધિકારીઓ દ્વારા તેમને આ જાણકારી મળી છે અને તેની પુષ્ટિ પંજાબ પોલીસના સૂત્રો પણ કરી રહી છે. તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ડીજીપીને આ જાણકારી આપવા વિનંતી છે. તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવા તથા પૈસા રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.