Rahul Gandhi પર ભડક્યા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કહ્યું દેશદ્રોહનો કેસ થવો જોઈએ

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)અમેરિકા પ્રવાસ દરમ્યાન કરેલા નિવેદનનો ભાજપે વિરોધ કર્યો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના નિવેદન બાદ આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધવો જોઇએ. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ભારતની બહાર જઈને દેશને બદનામ કરીને ચીનના વખાણ કરી રહ્યા છે. એવું લાગે છે કે તેઓ ચીનના પૈસા પર જીવી રહ્યા છે અને તેથી જ તેઓ બહાર જઈને ચીનનો પ્રચાર કરી રહ્યા છે.
ભારતને લઈને અનેક નિવેદનો આપ્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં ભારતને લઈને અનેક નિવેદનો આપ્યા છે. રાહુલ ગાંધીએ દેશની રાજનીતિ, અર્થતંત્ર અને રોજગારના મુદ્દાઓ પર વાત કરી છે. રાહુલે કહ્યું છે કે ભારતીય રાજકારણમાં પ્રેમ, સન્માન અને નમ્રતા ગાયબ છે. આ સાથે જ રાહુલ ગાંધીએ રોજગારના મુદ્દે પણ ચીનના વખાણ કર્યા છે.
રાહુલે ચીન માટે શું કહ્યું ?
ટેક્સાસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પશ્ચિમી દેશોમાં રોજગારની સમસ્યા છે. ભારતમાં રોજગારની સમસ્યા છે પરંતુ વિશ્વના ઘણા દેશોમાં રોજગારની સમસ્યા નથી. રાહુલે કહ્યું કે ચીનમાં ચોક્કસપણે રોજગારની કોઈ સમસ્યા નથી. વિયેતનામમાં રોજગારની કોઈ સમસ્યા નથી. વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનો દબદબો છે. પશ્ચિમ, અમેરિકા, યુરોપ અને ભારતે ઉત્પાદનનો વિચાર છોડી દીધો છે અને તેને ચીનને સોંપી દીધો છે.
ભારતના રાજકારણમાંથી પ્રેમ, આદર અને નમ્રતા ગાયબ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે ભારતીય રાજનીતિમાં પ્રેમ, સન્માન અને નમ્રતા ગાયબ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે. અમારું માનવું છે કે તેમા લોકોને જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના સામેલ થવાની અને સ્વપ્ન જોવાની છૂટ હોવી જોઇએ.