કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે, કાંગડાથી આનંદ શર્માને ટિકિટ
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી દરમિયાન વધુ એક યાદી જાહેર કરી છે, પાર્ટીએ રાજ બબ્બરને હરિયાણાની ગુરુગ્રામ સીટથી અને હિમાચલના કાંગડાથી આનંદ શર્માને ટિકિટ આપી છે. આ ઉપરાંત પાર્ટીએ હિમાચલના હમીરપુરથી સતપાલ રાયજાદા અને મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર સીટ પરથી ભૂષણ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે રાજ બબ્બરને દિલ્હીની નજીક આવેલા ગુડગાંવ સંસદીય ક્ષેત્રમાંથી પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અત્યાર સુધી સક્રિય રહેલા રાજ બબ્બર પહેલીવાર હરિયાણામાં પોતાનું રાજકીય નસીબ અજમાવવા જઈ રહ્યા છે. તેમને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નજીકના માનવામાં આવે છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી મુજબ હિમાચલ પ્રદેશના હમીરપુરથી સતપાલ રાયજાદાને ટિકિટ આપવામાં આવી છે જે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પડકારશે. પાર્ટીએ ભૂષણ પટેલને મુંબઈ ઉત્તર લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.
આપણ વાંચો: કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી રહી ચૂકેલા આનંદ શર્મા લાંબા સમયથી રાજ્યસભાના સભ્ય છે. અપર હાઉસમાં તેમનો કાર્યકાળ એપ્રિલ 2022માં પૂર્ણ થયો હતો, જો કે ત્યારબાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે હરિયાણાની ગુરુગ્રામ સીટ પર છઠ્ઠા તબક્કામાં એટલે કે 25મી મેના રોજ ચૂંટણી યોજાશે. હિમાચલની કાંગડા અને હમીરપુર સીટ સહિતની ચારેય લોકસભા સીટો માટે સાતમા તબક્કામાં એટલે કે 1 જૂને મતદાન થશે. જ્યારે હરિયાણાની તમામ 10 લોકસભા સીટો માટે 25 મેના રોજ મતદાન થશે. મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ સીટ પર પાંચમા તબક્કામાં એટલે કે 20 મેના રોજ મતદાન થશે.