વાવ બેઠક પર ત્રિપાંખિયો જંગ કે બીજું કંઈ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટશે?
ગાંધીનગર: ચૂંટણી પંચે ગઈકાલે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભા અને વિધાનસભાની પેટચૂંટણીની તારીખ જાહેર કરી હતી. હજુ બંને રાજ્યના ગઠબંધનના પક્ષો સીટ ફાળવણી મુદ્દે એકમત થઇ શક્યા નથી, ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટી (AAP) ગાબડું પાડવા માટે સજ્જ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિયાણામાં એક પણ સીટ નહિ મળ્યા પછી પણ આમ આદમી પાર્ટી (આપ) ફરી એક વાર ગુજરાતમાં નવા જોમ સાથે વાવની બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા છે. આ અહેવાલથી ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક મેળવી નહોતી, જ્યારે જમ્મુ કાશ્મીરમાં એક બેઠક પર જીત મેળવી હતી. જોકે હવે નવા જોમ ઉત્સાહ સાથે “આપ” ગુજરાતમાં વાવની પેટચૂંટણીમાં કોંગ્રેસ સાથે નહિ સામે ચૂંટણી લડી શકે છે. આ અહેવાલથી કોંગ્રેસને સૌથી મોટો આંચકો લાગી શકે છે.
ગુજરાતમાં વાવની બેઠક પર વર્ષોથી કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. હવે આ જ બેઠક પરથી આમ આદમી પાર્ટી લડે તો ગઠબંધન તો તૂટશે પણ કોંગ્રસના પણ મત તોડી શકે છે, એમ રાજકીય વર્તુળોએ જણાવ્યું હતું. વાવ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી લડવાના અહેવાલથી એક સાથે ત્રણ પાર્ટી વચ્ચે ટક્કર થઈ શકે છે. વાવમાં વિધાનસભાની બેઠક પર 13 નવેમ્બરના ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે પરિણામ 23મી નવેમ્બરના આવશે. વાવ વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટી ડોકટર રમેશ પટેલને ઉમેદવાર જાહેર કરી શકે છે. અહીં એ જણાવવાનું કે વાવની પેટા ચૂંટણીમાં કુલ 3.10 લાખથી વધુ મતદાર માટે 321 મતદાન કેન્દ્રો હશે