ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે ચિંતાઃ સંસદમાં નાણા પ્રધાને આપી માહિતી | મુંબઈ સમાચાર

ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે ચિંતાઃ સંસદમાં નાણા પ્રધાને આપી માહિતી

CBIમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી: અનિલ અંબાણી અને રિલાયસન્સ કોમ્યુનિકેશનની મુશ્કેલી વધી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા હતા. તેમજ CBIમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સંસદમાં સોમવારે આ માહિતી આપવામાં આવી હતી.

નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ આપી જાણકારી

એક અહેવાલ અનુસાર નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે, આ સંસ્થાઓને 13 જૂન, 2025 ના રોજ ફ્રોડ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. આ વર્ગીકરણ RBI ના ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ પરના માસ્ટર નિર્દેશો અને બેંકની બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિ અનુસાર કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, 24 જૂન, 2025 ના રોજ, બેંકે RBI ને આ ફ્રોડના વર્ગીકરણ વિશે જાણ કરી હતી અને CBIમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયામાં પણ છે. આ ઉપરાંત, 1 જુલાઈ, 2025 ના રોજ, ડિસ્પોઝલ કમ્પ્લાયન્સના ભાગ રૂપે, આરકોમના રિઝોલ્યુશન પ્રોફેશનલે બેંક દ્વારા ફ્રોડના વર્ગીકરણ વિશે બોમ્બે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી.

પ્રધાને લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે, આરકોમમાં એસબીઆઈના લોન જોખમમાં રૂ. 2,227.64 કરોડની મૂળ બાકી રકમ, 26 ઓગસ્ટ, 2016 થી વ્યાજ અને ખર્ચ તથા રૂ. 786.52 કરોડની નોન-ફંડ આધારિત બેંક ગેરંટી સામેલ છે. આરકોમ હાલમાં ઈનસોલવેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, 2016 (IBC) હેઠળ કોર્પોરેટ દેવાળું ઠરાવવા માટેની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

તેમણે જણાવ્યું કે બેંકે અનિલ અંબાણી વિરુદ્ધ પર્સનલ ઈનસોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ પણ શરૂ કરી છે અને આ બાબત પર NCLT મુંબઈમાં સુનાવણી ચાલી રહી છે. બેંકે અગાઉ 10 નવેમ્બર, 2020 ના રોજ પ્રમોટર અનિલ અંબાણીને ‘ફ્રોડ’ તરીકે વર્ગીકૃત કર્યા હતા અને 5 જાન્યુઆરી, 2021 ના રોજ CBIમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, તેમણે જણાવ્યું કે 6 જાન્યુઆરી, 2021 ના રોજ દિલ્હી હાઈ કોર્ટ દ્વારા જારી કરાયેલા status quo આદેશને કારણે ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી.

આ પણ વાંચો…અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, હવે આ બેંકે લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કરવા નિર્ણય લીધો

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button