નેશનલ

સંસદ પરિસરમાં ધક્કામુક્કી મામલે રાહુલ ગાંધી સામે નોંધાઈ ફરિયાદ

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર ગુરુવારે સંસદ પરિસરમાં ભાજપના સાંસદો સાથે ઝપાઝપી કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંને સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે દિલ્હી પોલીસે ફરિયાદના આધારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે.

આ પણ વાંચો: ધક્કામુક્કી કાંડઃ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું અમને ગૃહમાં જતાં અટકાવ્યા અને…

કોણે નોંધાવી ફરિયાદ?
સંસદ ભવન પરિસરમાં ધક્કામુક્કીના કેસમાં દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે. આ ફરિયાદ ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ, હેમાંગ જોશી અને અનુરાગ ઠાકુરની ફરિયાદ પર નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા નિવેદન પર વિપક્ષ અને સત્તાધારી પક્ષના સાંસદોએ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું, તે દરમિયાન તેમની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.

આ કલમો હેઠળ નોંધાઈ FIR
પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 117,125, 131,3(5) હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કલમ 117માં સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવાના આરોપો, કલમ 125 અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવા માટે અને કલમ 131 ફોજદારી બળનો ઉપયોગ કરવા માટેનો સમાવેશ થાય છે.

શું છે સમગ્ર વિવાદ?
સંસદની અંદર ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે બાબાસાહેબ આંબેડકરને લઈને એક નિવેદન આપ્યું હતું, તે બાદ આ વિવાદ શરૂ થયો હતો. કોંગ્રેસે અમિત શાહ પર બાબાસાહેબ આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભાજપે કોંગ્રેસ પર ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરીને બાબાસાહેબ આંબેડકરના અપમાનનો આરોપ મૂક્યો છે. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ બંને સંસદ પરિસરમાં આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તે દરમિયાન ધક્કામુક્કી કર્યાનો આરોપ લાગ્યો છે, તેમાં ભાજપના સાંસદો ઇજાગ્રસ્ત થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button