નેશનલ

ગાઝીયાબાદમાં આતંક ફેલાવવાનું કાવતરું નિષ્ફળ! તલવારો વહેંચતા હિન્દુ રક્ષા દળના કાર્યકરોની ધરપકડ

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં કોમી હિંસા ફેલાવવાના કાવતરાનો ફર્દાફાશ થયો છે, લઘુમતી સમુદાય પર હુમલા માટે શહેરની શાલીમાર ગાર્ડન કોલોનીમાં તલવારો વહેંચવામાં આવી રહી હતી. પોલીસે દરોડા પાડીને હિન્દુ રક્ષા દળના છ કાર્યકરોની ધરપકડ કરી છે. આરોપીઓ રસ્તા પર તલવારો લહેરાવતા જોવા મળ્યા હતાં, અને લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આહેવાલ મુજબ શાલીમાર ગાર્ડનમાં આવેલી હિન્દુ રક્ષા દળેની ઓફિસમાં તલવારો વહેંચવામાં આવી હતી. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પોલીસે 16 લોકો સામે નામ સાથે કેસ દાખલ કર્યો હતો અને 25-30 અજાણ્યા શખ્સો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વાયરલ થયેલા વિડીયોમાં હિન્દુ રક્ષા દળનો પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી ઉર્ફે પિંકી ચૌધરી કહેતો સંભળાય છે કે સંગઠન હિન્દુઓને મજબૂત કરવા માટે તલવારોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિડીયોમાં તે કહી રહ્યો કે હિન્દુઓ પર હુમલો કરનારા અને હિન્દુ મહિલાઓની છેડતી કરનારાઓનો સામનો કરવા માટે 250 તલવારોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોપીઓએ સરઘસ કાઢીને હિન્દુત્વ તરફી અને મુસ્લિમ વિરોધી નારા લગાવ્યા હતાં. ગાઝીયાબાદ પોલીસે આ વિડીયોની નોંધ લીધી હતી અને તુરંત કાર્યવાહી કરી હતી.

પોલીસની કડક કાર્યવાહી:

પોલીસે દરોડો પાડીને કપિલ, શ્યામ યાદવ, અરુણ જૈન, રામપાલ, અમિત સિંહ, અમિત કુમાર, દેવેન્દ્ર બઘેલ, ઉજાલા સિંહ, અમિત અરોરા અને મોહિત કુમારની ધરપકડ કરી. મુખ્ય આરોપી પિંકી ચૌધરી હજુ પણ ફરાર છે. પોલીસે આઠ તલવારો જપ્ત કરી છે.

ડીસીપીએ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓ સામે ભારત ન્યાય સંહિતાની કલમ 191(2) (હુલ્લડો), 191(3) (હુલ્લડો, ઘાતક હથિયાર અથવા હથિયાર તરીકે ઉપયોગ કરવાના હેતુથી અને હત્યાનું કારણ બની શકે તેવી કોઈપણ વસ્તુથી સજ્જ હોવું), 127(2) (ખોટી રીતે બંધક બનાવવું) અને ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

હિન્દુ રક્ષા દળની વાંધાજનક પ્રવૃતિઓ:

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણાં વર્ષોથી કોમી તણાવ વધી રહ્યો છે. કેટલાક કોમવાદી જૂથો હિંસા ફેલાવવાની પ્રવૃતિઓ કરી રહ્યા છે. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં અગાઉ થયેલી અથડામણો અને ઉશ્કેરણીજનક કૃત્યોમાં હિન્દુ રક્ષા દળની કથિત સંડોવણીના ધ્યાનમાં આવી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button