‘પંચને પૂરી વિગતો આપી’: ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈનું સોગંદનામું દાખલ
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી સોંપી દીધી છે. એસબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ જાણકારી આપી હતી.
એફિડેવિટમાં એસબીઆઇએ કહ્યું હતું કે ચૂંટણી પંચને સીરીયલ નંબર સાથે ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો સોંપી છે, જે દાતાઓ અને બોન્ડને રોકડ કરાવનાર પક્ષકારો સાથે મેચ કરવામાં મદદ કરશે. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં ચૂંટણી પંચ તેની સત્તાવાર વેબસાઇટ પર તેની માહિતી જાહેર કરશે. એફિડેવિટમાં એસબીઆઇએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો ચૂંટણી પંચને સોંપી દેવામાં આવી છે. કોઈ માહિતી છૂપાવવામાં આવી નથી.
એસબીઆઇના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે.
આ પણ વાંચો…
દિલ્હીના સીએમ કેજરીવાલને હાઈ કોર્ટે આપ્યો ઝટકો
આ વખતે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યૂમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેન્ક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક, કિંમત અને રિડીમ કરેલ નંબરનો સમાવેશ થાય છે. તેમણે આગળ કહ્યું કે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષનો સંપૂર્ણ બેન્ક એકાઉન્ટ નંબર, પાર્ટી અને બોન્ડ ખરીદનારાઓની કેવાયસી જાણકારી આપવામાં આવી નથી.
એસબીઆઇએ કહ્યું હતું કે જો કે, રાજકીય પક્ષોની ઓળખ માટે કેવાયસી જરૂરી નથી. એસબીઆઇના ચેરમેને કહ્યું હતું કે કોર્ટના નિર્દેશો મુજબ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડના નંબર સહિતની તમામ વિગતો આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અમે 21 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દીધી છે.
આ પણ વાંચો…
કાર્તિ ચિદમ્બરમે ચીની નાગરિકોને વિઝા મામલે લાંચ લીધી હોવાનો ઇડીનો આરોપ
18 માર્ચે એસબીઆઇને ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ સવાલ કર્યો હતો કે એસબીઆઇએ કોર્ટના આદેશ છતાં તમામ માહિતી કેમ જાહેર કરી નથી. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે અમને ચૂંટણી બોન્ડ વિશેની તમામ માહિતી જોઈએ છે. તેમણે એમ પણ કહ્યું કે એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી એફિડેવિટ દ્વારા કોર્ટને જણાવવી જોઈએ.