હોળી પહેલા આંચકો, આજથી LPG Cylinderના ભાવમાં થયો વધારો

નવી દિલ્હીઃ આજથી માર્ચ મહિનો શરૂ થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સવાર સવારમાં તેમના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મહિનાના પહેલા જ દિવસે ગેસ સિલિન્ડર મોંઘુ થઈ ગયું છે. સરકારી તેલ અને ગેસ કંપનીઓએ હોળી પહેલા લોકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીઓએ શુક્રવાર 1લી માર્ચથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે વધેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આ સિલિન્ડર 25.50 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજથી ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વર્ષમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,795.00 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1,769.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ રીતે દિલ્હીમાં કિંમત 25.50 રૂપિયા વધી છે. મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1723.50 રૂપિયાથી વધીને 1749 રૂપિયા થઈ ગઈ છે.
છેલ્લા ઘણા મહિનાઓથી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમાં છેલ્લો ફેરફાર 30 ઓગસ્ટે થયો હતો. મતલબ, 14 કિલોના સિલિન્ડરની કિંમત 6 મહિનાથી સ્થિર છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 903 રૂપિયામાં ઉપલબ્ધ છે. ચેન્નાઈમાં તેની કિંમત 918.50 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને કોલકાતામાં 929 રૂપિયા છે.