હેમા માલિની અંગે ટિપ્પણી: ચૂંટણી પંચની કૉંગ્રેસના સુરજેવાલાને નોટિસ

નવી દિલ્હી: ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અંગે અસંસ્કારી, અપમાનાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને કારણદર્શાવો નોટિસ આપી છે.
ચૂંટણી પંચે એક પગલું આગળ વધતાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માગ્યો છે કે તેમની પાર્ટીના નેતાઓ દ્વારા જાહેર કાર્યક્રમોેમાં મહિલાઓના સન્માન અને ગૌરવને જાળવી રાખવાની ચૂંટણી પંચની સલાહને પાલન કરવા માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મગાવવામાં આવી છે.
બંનેને ચૂંટણી પંચ સમક્ષ તેમના જવાબ નોંધાવવા જણાવવામાં આવ્યું છે. સુરજેવાલાને 11 એપ્રિલે સાંજ સુધીમાં જવાબ નોંધાવવાનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે ખડગેને બીજા દિવસની સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
સત્તાધારી ભાજપનાં સંસદસભ્ય હેમા માલિની અંગે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી રહેલો સુરજેવાલાનો વીડિયો ભાજપના આઈટી ડિપાર્ટમેન્ટના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂક્યો હતો.
ભાજપે ચૂંટણી પંચમાં કૉંગ્રેસના જનરલ સેક્રેટરી વિરુદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અશ્લીલ, લૈંગિક અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. બીજી તરફ સુરજેવાલાએ એવો દાવો કર્યો હતો કે તારીખ વગરનો આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. તેમનો ક્યારેય ભાજપના સંસદસભ્યનું અપમાન કરવાનું કે દુ:ખ પહોંચાડવાનો હેતુ નહોતો.
ચૂંટણી પંચે પોતાની નોટિસમાં જણાવ્યું છે કે ધ્યાનપૂર્વકની ચકાસણીમાં જણાયું હતું કે કરવામાં આવેલી ટિપ્પણી ખૂબ જ અપમાનાસ્પદ, અશ્ર્લીલ અને બિનસંસ્કૃત છે. પ્રથમદર્શી એવું જણાઈ રહ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી આચારસંહિતાનું ઉલ્લંઘન કરતું જણાઈ રહ્યું છે. (પીટીઆઈ)