Varanasi બેઠક પરથી કોમેડિયન શ્યામ રંગીલાનું ઉમેદવારી પત્ર રદ , જાણો કારણ
ઉત્તર પ્રદેશની હાઇ પ્રોફાઇલ લોકસભા બેઠક વારાણસી (Varanasi)પરથી કોમેડિયન શ્યામ રંગીલા(Shyam Rangeela)ઉર્ફે શ્યામ સુંદરનું ઉમેદવારી પત્ર રદ થયું છે. મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. વારાણસી બેઠક પરથી 14 મે સુધી કુલ 41 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. શ્યામ રંગીલા મિમિક્રી આર્ટિસ્ટ છે. પીએમ મોદી(PM Modi)અને રાહુલ ગાંધી(Rahul Gandhi)સહિત ઘણા નેતાઓની મિમિક્રી કરે છે. જેના કારણે તે ઘણી વખત વિવાદોમાં આવ્યા છે.
શ્યામ રંગીલાએ એફિડેવિટ ફાઇલ કરી ન હતી
સૂત્રોએ જણાવ્યું હતું કે શ્યામ રંગીલાએ એફિડેવિટ ફાઇલ કરી ન હોવાથી ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું. રંગીલાએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યાના એક દિવસ બાદ આ માહિતી સામે આવી છે. રંગીલાએ અગાઉ દાવો કર્યો હતો કે તેમને ઉમેદવારી પત્ર ભરવાથી રોકવામાં આવ્યા હતા.
1લી જૂને મતદાન થશે
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાય વારાણસીથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએના ઉમેદવાર છે. માયાવતીની પાર્ટી બસપાએ વારાણસીથી અથર જમાલ લારીને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં વારાણસીમાં 1 જૂને મતદાન થશે.
કોણ છે શ્યામ રંગીલા?
રાજસ્થાનના હનુમાનગઢમાં જન્મેલા અને ઉછરેલા રંગીલાએ એનિમેશનનો અભ્યાસ કર્યો છે. રંગીલા મિમિક્રી માટે જાણીતા છે. ખાસ કરીને તે રાજકીય વ્યક્તિઓની મિમિક્રી કરે છે. 29 વર્ષીય રંગીલા પહેલીવાર 2017માં પ્રખ્યાત થયા જ્યારે તેમની પીએમ મોદીની મિમિક્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. ત્યારથી રંગીલા પીએમના ભાષણો અને ઇન્ટરવ્યુની નકલ કરતા વીડિયો બનાવે છે.રંગીલાએ પીએમ મોદી ઉપરાંત રાહુલ ગાંધી જેવા અન્ય રાજકીય વ્યક્તિઓના મિમિક્રી વીડિયો પણ બનાવ્યા છે. રંગીલા છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી અને તેમની નીતિઓની ટીકા કરી રહ્યા છે.