કોમેડિયન સમય રૈનાને દિવ્યાંગો વિશે કરેલી ટિપ્પણી ભારે પડી: સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ

નવી દિલ્હી: લોકપ્રિય કોમેડિયન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સમય રૈના ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ને લઈને ચર્ચામાં આવ્યો હતો. જોકે, વલ્ગર ભાષા અને અભદ્ર ટિપ્પણીઓને કારણે તેને આ શો બંધ કરવો પડ્યો હતો. આ શો દરમિયાન સમય રૈનાએ SMAથી પીડિત નવજાત બાળકનો ઉલ્લેખ કર્યો હતો અને અસંવેદનશીલ ટિપ્પણી કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે.
દિવ્યાંગો માટે મહિનામાં બે કાર્યક્રમ કરો
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એક એપિસોડમાં સમય રૈનાએ બે મહિનાના SMAથી પીડિત નવજાત બાળકનો ઉલ્લેખ કર્યો હતો. આ બાળકને 16 કરોડના ઇન્જેક્શનની જરૂર હતી. જેને લઈને સમય રૈનાએ મજાક કરતા કહ્યું હતું કે, “જો કોઈની માતાના એકાઉન્ટમાં આટલી મોટી રકમ આવી જાય, તો તે પોતાના પતિ વિશે શું વિચારશે.” સમય રૈનાની આ અસંવેદનશીલ ટિપ્પણીને લઈને SMA ઇન્ડિયા ફાઉન્ડેશન નામના NGO દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અરજીમાં સમય રૈના પર અંધ નવજાત બાળકની મજાક ઉડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે SMA ઇન્ડિયા ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતા સમય રૈના અને અન્ય ચાર કોમેડિયન – વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર, અને નિશાંત જગદીશ તંવરને મહિનામાં ઓછામાં ઓછા બે વાર ફંડ ભેગું કરવા માટેના કાર્યક્રમો યોજવાનો આદેશ આપ્યો છે. આ ફંડનો ઉપયોગ દિવ્યાંગો અને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડિત લોકોની સારવાર માટે કરવામાં આવશે.
દિવ્યાંગોને શોમાં પેનલિસ્ટ તરીકે બોલાવો
કોર્ટે કોમેડિયનને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ દિવ્યાંગોના ઉત્થાન માટે કરવાના આદેશ આપ્યો છે. તેઓ મહિનામાં બે વાર એવા એપિસોડ પ્રસારિત કરશે જેમાં વિકલાંગ લોકોને મહેમાન અથવા પેનલિસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવશે. શોમાં સમાજમાં વિકલાંગ લોકોની સકારાત્મક છબી બનાવવા અને જાગૃતિ લાવવા માટે તેમના સંઘર્ષો, પડકારો અને સિદ્ધિઓ સહિતની તેમની સ્ટોરી દર્શાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સમય રૈનાએ પોતાના શોના વીડિયો ડિલીટ કરીને માફી પણ માંગી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે દિવ્યાંગો વિશે અસંવેદનશીલ ટિપ્પણીઓને લઈને એક સકારાત્મક આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બેંચે નોંધ્યું હતું કે, આ કોમેડિયનો કોર્ટના અગાઉના નિર્દેશોનું પાલન કરીને સ્વેચ્છાએ આવા કાર્યક્રમોનું આયોજન કરવા આગળ આવ્યા હતા.



