Top Newsનેશનલ

પહાડોમાં હિમવર્ષા અને મેદાનોમાં ગાઢ ધુમ્મસથી જનજીવન અસ્તવ્યસ્ત: ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારત હાલમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. જમ્મુ-કાશ્મીરની પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સ્નોફોલને કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. કુદરતનો મિજાજ બદલાતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી ધુમ્મસની ચાદર છવાયેલી રહેતા વાહનવ્યવહાર અને હવાઈ સેવાઓને માઠી અસર પહોંચી છે.

રવિવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં ઉત્તર પ્રદેશમાં ઠેર-ઠેર માર્ગ અકસ્માતો સર્જાયા હતા, જેમાં કાનપુર, બરેલી અને વારાણસી સહિતના વિસ્તારોમાં કુલ નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર પણ ધુમ્મસની મોટી અસર વર્તાઈ હતી, જ્યાં ઓછી વિઝિબિલિટીને કારણે 105થી વધુ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને 450 જેટલી ફ્લાઈટ્સના શિડ્યુલમાં વિલંબ થયો હતો.

જ્યારે કાશ્મીર ખીણમાં હાડ ગાળતી ઠંડીના 40 દિવસના ગાળા તરીકે ઓળખાતા ‘ચિલ્લાઈ કલાન’ની શરૂઆત થઈ ચૂકી છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી, જ્યારે ગુલમર્ગમાં માઈનસ 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમવર્ષાને કારણે મુઘલ રોડ અને સિનથાન ટોપ જેવા મહત્વના માર્ગો પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. જોકે, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વરસાદ વચ્ચે પણ અવરજવર ચાલુ રાખવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં સુલતાનપુર 4.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે આગરા અને અલિગઢમાં શૂન્ય વિઝિબિલિટીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. પંજાબ અને હરિયાણામાં પણ સ્થિતિ સમાન છે, જ્યાં ગુરદાસપુર અને ભિવાનીમાં તાપમાન 6.5 ડિગ્રીની આસપાસ રહેતા ઠંડીનું જોર વધ્યું છે. રાજસ્થાન અને ઝારખંડમાં પણ રાત્રિનું તાપમાન 10 ડિગ્રીથી નીચે સરકી ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સોમવાર સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાત (Avalanche) અને હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ઠંડીમાં વધારો, અમરેલી 12 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button