કાશ્મીરમાં શીત લહેરનું જોખમ વધ્યું, તાપમાન માઈનસમાં નોંધાયું
શ્રીનગરઃ કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ એક દિવસની રાહત પછી શીત લહેર ફરી તીવ્ર બનતા રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. શ્રીનગર શહેરમાં બુધવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઇનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગલી રાતના માઇનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઘણું ઓછું હતું.
કાઝીગુંડમાં માઇનસ ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ઉત્તર કાશ્મીરના ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં માઇનસ ૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૫.૭ ડિગ્રી નોંધાયું હતું. કોકરનાગમાં માઇનસ ૦.૮ ડિગ્રી અને કુપવાડામાં માઇનસ ૪.૫ ડિગ્રી નોંધાયું હતું.
હાલમાં કાશ્મીર ચિલ્લા-એ-કલાનની અસર હેઠળ છે. જે શિયાળાનો ૪૦ દિવસનો કઠોર સમયગાળો ગણાય છે. આ દરમિયાન પ્રદેશમાં શીત લહેર છવાઇ જાય છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ સમયગાળા દરમિયાન હિમવર્ષાની સંભાવના સૌથી વધુ હોય છે અને મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને ઉંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે. કાશ્મીર લાંબા સમયથી શુષ્ક ગાળામાંથી પસાર થઇ રહ્યું છે.
ડિસેમ્બરમાં વરસાદમાં ૭૯ ટકાની ખાધ નોંધાઇ હતી. જ્યારે જાન્યુઆરીના પ્રથમ પખવાડિયે ખીણના મોટાભાગના ભાગોમાં પણ વરસાદ પડ્યો નથી. કાશ્મીરના મોટાભાગના મેદાની વિસ્તારોમાં કોઇ હિમવર્ષા થઇ નથી, જ્યારે ખીણના ઉપરના ભાગોમાં સામાન્ય કરતા ઓછો બરફ પડ્યો છે.