કોબરા કાંડઃ એલ્વિશ યાદવને આખરે કોર્ટ તરફથી મળી રાહત
નવી દિલ્હીઃ જાણીતા યુ-ટ્યુબર અને બિગ બોસ ઓટીટી-ટૂ વિજેતા એલ્વિશ યાદવ સાપ અને સાપના ઝેરની ખરીદી અને સપ્લાય કરવા બદલ ગુનો નોંધાયો હતો. જોકે, આજે આ કેસમાં એલ્વિશ યાદવને કોર્ટે જામીન આપતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
શુક્રવારે એનડીપીએસની લોઅર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે એલ્વિશને પચાસ-પચાસ હજારના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા. પાંચ દિવસ બક્સર જેલમાં સજા ભોગવ્યા પછી જામીન પર છૂટતા પરિવારના સભ્યો અને મિત્રોએ ખુશાલી વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: એલ્વિશ યાદવે ફરી કરી મારપીટ, સીસીટીવી ફૂટેજ વાઇરલ
એલ્વિશને કોબરા કાંડ કેસમાં 17મી માર્ચના નોએડા પોલીસે ધરપકડ કરી હતી. એલ્વિશ યાદવ પર યુટયુબરની રેવ પાર્ટીમાં સાંપ અને તેના ઝેરની સપ્લાય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, એલ્વિશ યાદવ પર ડ્રગ્સ ફાઈનાન્સ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નોએડા પોલીસે એલ્વિશની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટના આદેશ અનુસાર તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે કરેલી પૂછપરછમાં એલ્વિશે સાંપનું ઝેર સપ્લાય કરતો હોવાની પણ કબૂલાત કરી હતી. એલ્વિશ યાદવે આ કબૂલાત કર્યા પછી તેની વિરુદ્ધ 29 એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.