સીએમ યોગીએ વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે અયોધ્યાનું નામ લેતા અચકાતા હતા તે લોકો પણ હવે….

અયોધ્યા: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વર્ષના પહેલા દિવસે મથુરામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં લોકોને સંબોધિત કરતી વખતે વિરોધીઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકોને એક સમયે અયોધ્યાનું નામ લેવામાં પણ સંકોચ થતો હતો તેઓ આજે આમંત્રણની રાહ જોઈ રહ્યા છે.
રામ મંદિર પર વાત કરતા સીએમ યોગીએ જણાવ્યું હતું કે હવે તમે અયોધ્યા જશો તો તમને ત્રેતાયુગ યાદ આવી જશે. જે લોકો એક સમયે અયોધ્યાનું નામ લેતા અચકાતા હતા, તે બધા આજે કહે છે કે જો તેમને રામ મંદિરનું આમંત્રણ મળશે તો તેઓ ચોક્કસ જશે. આ પરિવર્તનનો યુગ છે. જો તમે ખંતથી કામ કરશો તો તમને સારા પરિણામો મળશે જ.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભગવાન શ્રી રામ એકવાર પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા. હવે ત્યાં એરપોર્ટ બનાવવામાં આવ્યું છે, લોકો ફ્લાઈટ દ્વારા પહોંચી રહ્યા છે. અયોધ્યામાં રોડ અને ફ્લાઈટની સુવિધા આપ્યા બાદ તેને જળ માર્ગે પણ જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. પહેલા અયોધ્યા માટે માત્ર સિંગલ લેન રેલવે લાઇન હતી, હવે ચાર લેન રેલવે લાઇન સાથે જોડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં પોતાનો ચુકાદો આપતાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. તેના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. અને ત્યારથી રામ મંદિર બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું હતું.
અને હવે 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે. ત્યારે હાલમાં જ અયોધ્યાથી સમગ્ર વિશ્વને આહ્વાન કરતી વખતે વડા પ્રધાન દ્વારા પણ આવી જ વિનંતી કરવામાં આવી હતી કે તમે બધા 22 જાન્યુઆરીના દિવસે પોતાના ઘરે દિવા કરો અને આરતી કરો. તમે બધા 23 જાન્યુઆરીથી અનંતકાળ સુધી અયોધ્યા આવી શકશો.