ઉત્તર પ્રદેશમાં BJPની બેઠકો કેમ ઘટી , સીએમ યોગી અને RSS વડા ભાગવત કરી શકે છે મંથન
લખનઉ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની આજે મુલાકાત થઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની(BJP)ઘટેલી બેઠકોને લઇને આ સંભવિત બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગોરખપુરમાં યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત વચ્ચે મુલાકાત થઈ શકે છે. આ બેઠકમાં યુપીમાં ભાજપની ઘટેલી બેઠકો પર ચર્ચા થઈ શકે છે.
ભાજપ 240 સીટો પર આવી જતા અનેક સવાલો
ભાજપમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને મંથનનો સમય ચાલી રહ્યો છે. શુક્રવારે યુપી અને મહારાષ્ટ્રમાં મળેલી હાર પર ચર્ચા કરવામાં આવી હતી. તેવી જ રીતે પંજાબ અને હરિયાણાને લઈને પણ આજે બેઠક યોજાવા જઈ રહી છે. ભલે ભાજપે લોકસભા ચૂંટણીમાં એનડીએના સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવી હોય. પરંતુ 370 સીટો જીતવાનું લક્ષ્યાંક ધરાવતી ભાજપ 240 સીટો પર આવી જતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ત્રણ રાજ્યોમાં હારથી ભાજપની રમત બગડી
ભાજપની હારના મુખ્ય કારણો ત્રણ રાજ્યો હતા, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં છેલ્લી ચૂંટણીઓમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ વખતે બેઠકો ઘટી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના પ્રારંભિક મૂલ્યાંકનના આધારે જણાવ્યું છે કે કયા કારણો હતા જેના કારણે ચૂંટણીમાં આવી ખરાબ સ્થિતિ ઉભી થઈ.
ભાજપની હારના મુખ્ય કારણો શું હતા?
એક અખબારના અહેવાલ મુજબ, ભાજપ નેતાઓએ કહ્યું કે જાટ, દલિત અને મુસ્લિમ મતો વિરુદ્ધમાં ગયા છે. ભાજપે ઉમેદવારોની પસંદગી સહિત ચૂંટણીનું સંચાલન ખૂબ જ ખરાબ રીતે કર્યું હતું. તેમનું કહેવું છે કે અન્ય મુદ્દાઓ સાથે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓએ ભાજપ વિરુદ્ધ વાતાવરણ બનાવ્યું જેના કારણે પાર્ટીએ ત્રણ રાજ્યોમાં 45 બેઠકો ગુમાવી. ભાજપે યુપીમાં 33 લોકસભા સીટો, રાજસ્થાનમાં 14 અને હરિયાણામાં માત્ર 5 લોકસભા સીટો જીતી છે.
યુપીમાં ભાજપ કેમ હાર્યું ?
દેશના સૌથી મોટા રાજ્યમાં જાટ મતદારોમાં ભાજપ સામે રોષ જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ અગ્નિવીર જેવી યોજનાઓ રહી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે 400 પારના નારાથી પણ નુકસાન થયું છે. વિપક્ષે દલિતો અને પછાત સમુદાય વચ્ચે એક ચર્ચા ઉભી કરી કે જો ભાજપને 400 બેઠકો મળે તો તે બંધારણ બદલી નાખશે. જેના કારણે યુપી સહિત ઘણા રાજ્યોમાં પાર્ટીને ચૂંટણીમાં નુકસાન થયું છે. યુપીમાં પાર્ટી કેડરમાં સંકલન નહોતું જેના કારણે નુકસાન થયું હતું.