સીએમ યોગી દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિલ્હી પ્રવાસે ગયાં છે. આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ રાષ્ટ્રપતિ ભવન પહોંચી તેમની સાથે રાજ્યના વિવિધ વિકાસ મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેમના કિંમતી સમય માટે આભાર પણ વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલય અને યુપી સીએમઓએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ મુલાકાતને રાજકીય અને પ્રશાસકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
વડાપ્રધાનનું નેતૃત્વ સમગ્ર દેશ માટે પ્રેરણાનું સ્ત્રોતઃ સીએમ યોગી
રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ યોગી આદિત્યનાથએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સીએમ યોગીએ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સનો અહેવાલ આપ્યો અને આગામી યોજનાઓ વિષે માર્ગદર્શન માગ્યું હતું. મુખ્ય પ્રધાન યોગીએ જણાવ્યું કે, વડાપ્રધાનનું નેતૃત્વ સમગ્ર દેશ માટે પ્રેરણાનું સ્ત્રોત છે અને તેમની હાજરીમાંથી મળતી ઊર્જા ઉત્તર પ્રદેશની પ્રગતિને નવી દિશા આપે છે. તેમણે વડાપ્રધાનનો કિંમતી સમય આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.આ લખાણ સાથે સીએમ યોગીએ એક્સ પર પોસ્ટ પણ શેર કરી છે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે પણ મુલાકાત કરી
વડા પ્રધાન મોદીની મુલાકાત કર્યાં બાદ સીએમ યોગીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે પણ ભેટ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સાથે ચર્ચા દરમિયાન બંનેએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સહકારના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. યોગી આદિત્યનાથે ઉપ રાષ્ટ્રપતિનો રાજકીય સહકાર અને માર્ગદર્શન માટે આભાર માન્યો હતો. ઉપ રાષ્ટ્રપતિએ પણ ઉત્તર પ્રદેશના વિકાસ માટે પોતાના સુચનો આપ્યા અને રાજ્યની પ્રગતિની પ્રશંસા કરી હોવાનું જાણવા મળ્યું છે.
નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઈમથકના કાર્યનું નિરીક્ષણ કર્યું
દિલ્હી મુલાકાત પહેલાં યોગી આદિત્યનાથે ગૌતમબુદ્ધ નગર જિલ્લાના જવેરમાં બનતા નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઈમથકના નિર્માણસ્થળનું નિરીક્ષણ કર્યું હતું તેમણે પ્રોજેક્ટની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લીધી અને કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી. આ દરમિયાન એરપોર્ટના સીઈઓ ક્રિસ્ટોફ શ્નેલમેન અને સીઓઓ કિરણ જૈન પણ સાથે રહ્યાં અને આ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.



