સીએમ યોગીનો આકરો મિજાજ, કહ્યું “પોલીસ ગોળી ન મારે તો શું ગોળી ખાય?”

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. લખનઉમાં આયોજિત પ્રથમ ફાર્મા કોન્ક્લેવ દરમિયાન તેમણે ગુનેગારો અને માફિયાઓ વિરુદ્ધ પોલીસની કાર્યવાહીનું સમર્થન કરતા જણાવ્યું કે, રાજ્યમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ગુનેગારો કાયદાથી ડરશે નહીં, તો તેમને પાઠ ભણાવવા માટે પોલીસ પણ ખચકાશે નહીં.
તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટરની ઘટનાઓ પર ઉઠાવવામાં આવેલા સવાલોના સંદર્ભમાં સીએમ યોગીએ વેધક પ્રશ્ન કર્યો હતો કે, “લોકો પૂછે છે કે પોલીસે ગોળી કેમ મારી? હું પૂછું છું કે જો પોલીસ ગોળી ન ચલાવે તો શું તે ગોળી ખાય?” તેમણે ઉમેર્યું કે પોલીસને પિસ્તોલ અને તાલીમ જ એટલા માટે આપવામાં આવે છે કે તેઓ અપરાધીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી શકે. ગુનેગારોને ગોળી ચલાવવાની સ્વતંત્રતા હોય તો પોલીસ મૂકપ્રેક્ષક બનીને બેસી ન રહી શકે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કાયદો દરેક માટે સમાન છે અને તેમાં કોઈ પોતાનં કે પારકું હોતું નથી. જો શાસન કે વહીવટીતંત્ર સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ પણ ભૂલ કરશે, તો તેની સામે પણ એટલી જ કડક કાર્યવાહી કરવામાં આવશે જેટલી કોઈ માફિયા સામે કરવામાં આવે છે. યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સામેની આ લડાઈ કોઈપણ પક્ષપાત વગર ચાલુ રહેશે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે.
પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા સીએમ યોગીએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં પોલીસની કડક કાર્યવાહીને કારણે જ રાજ્યમાં મોટા ફેરફારો આવ્યા છે. આજે યુપીમાં તોફાનો, ગુંડા ટેક્સ કે અરાજકતા ભૂતકાળ બની ગયા છે અને તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે. આ સુરક્ષિત વાતાવરણને કારણે જ આજે ઉત્તર પ્રદેશ દેશ અને દુનિયા માટે રોકાણનું શ્રેષ્ઠ કેન્દ્ર (Investment Destination) બની ગયું છે. ગુનેગારો સામેની આ કડક નીતિએ પોલીસ દળના મનોબળને પણ નવી ઊંચાઈ આપી છે.



