સીએમ સુખવિંદર સિંહ સુખુએ હિમાચલ પ્રદેશ આપત્તિગ્રસ્ત જાહેર કર્યું, બીજેપી પર કર્યાં વાક્ પ્રહાર

શિમલા, હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં અત્યારે ભારે વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આવી પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાને એક મહત્વની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ વિધાનસભામાં હિમાચલ પ્રદેશને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે.
છેલ્લા કેટલાય દિવસથી લગાતાર વરસાદ ખાબકી રહ્યો હોવાથી જનજીવન ખોરવાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી દિવસો માટે ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેથી હિમાચલ પ્રદેશના સીએમએ આ નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આપણ વાંચો: Himachalના CM સુખુએ બાગી ધારાસભ્યોને લીધા આડે હાથ, કહ્યું, ‘તેઓ કોંગ્રેસનાં કાળા નાગ છે’
આ માત્ર કુદરતી આફત નથી પરંતુ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છેઃ સીએમ સુખુ
મુખ્ય પ્રધાનનું કહેવું છે કે, હિમાચલના પર્વતીય વિસ્તારો લોકોને જે તકલીફો થઈ રહી છે, તે તકલીફ અમારી પણ છે. આ માત્ર કુદરતી આફત નથી પરંતુ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.
જેથી કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે કે, પહાડી વિસ્તારમાં જે રીતે બેદરકારીપૂર્વક બાંધકામ કાર્યો થઈ રહ્યાં છે તેને રોકવામા આવે! કારણ કે, પર્વતો માત્ર પ્રવાસન સ્થળ નથી પરંતુ જીવન-રક્ષાનો એક મહત્વનો સ્તંભ છે.
ગ્લોબલ વોર્મિંગની પણ સૌથી વધારે અસર પર્વતીય વિસ્તારોમાં જ થયાં છે. અત્યારે પણ છેલ્લા કેટલાય દિવસથી ભારેથી અતિભારે વરસાદ આવી રહ્યો છે.
ભૂસ્ખલનના કારણે 5 સપ્ટેમ્બર સુધીની દરેક ટ્રેનો રદ્દ
હિમાચાલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. ભૂસ્ખલનના કારણે કાલકા શિમલા રેલવે ટ્રેકને ખોરવાયો છે. જેથી આગામી પાંચ સપ્ટેમ્બર સુધીની દરેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા તેની વિગતો પણ શેર કરવામાં આવી છે.
ભૂસ્ખલનના કારણે ક્યાંક પથ્થર આવીને પડ્યાં છે તો ક્યાંક રેલવે ટ્રેકો પણ ખોરવાયા હોવાનું જાણવા મળ્યું છે. મૂળ વાત એ છે કે, આ વરસાદી સિઝનમાં હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયાં છે. જેના કારણે પ્રવાસીઓ સાથે સાથે સ્થાનિકોને પણ મુશ્કેલીઓ આવી રહી છે.
સીએમ સુખવિંદર સિંહ સુખુએ બીજેપી પર કર્યાં આકરા પ્રહારો
હિમાચલ પ્રદેશને આપત્તિગ્રસ્ત જાહેર કરતી વખતે સીએમ સુખવિંદર સિંહ સુખુ ભારતીય જનતા પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યાં હતાં. કહ્યું કે, આવી સ્થિતિમાં બધાએ સાથે આપવાનો હોય પરંતુ બીજેપીના નેતાઓ માત્ર પોતાના રાજકીય રોટલો શેકી રહ્યાં છે.
બીજેપીના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે જેથી તે લોકો લોકોની સમસ્યાને સમજે! વધુમાં કહ્યું કે, સરકારો આવશે અને જતી રહેશે પરંતુ ઇતિહાસ આ યાદ રાખશે કે, જ્યારે હિમાચલ પ્રદેશમાં આવેલી વિકટ પરિસ્થિતિમાં સૌથી સાથે હતા અને બીજેપીના લોકો રાજનીતિમાં વ્યસ્ત હતા.