મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા મામલે વિવાદ ચાલી રહ્યો છે. SIR પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવતા મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. એસઆઈઆરનો મુદ્દે દરેક રાજ્યમાં વિવાદનું કારણ બન્યો છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં એલઆઈઆરનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ પહેલા પણ ટીએમસીના સાંસદ ડોલા સેન અને ડેરેક ઓબ્રાયનએ એસઆઈઆરમાં ગેરરીતિ મામલે અરજી કરી હતી, પરંતુ તેમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તેવામાં હવે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે.
SIRની પદ્ધતિ અને અભિગમ સામે મમતા બેનર્જીએ વાંધો ઉઠાવ્યો
આ પહેલા થયેલી અરજીઓ પર 4 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની શક્યતા છે. મમતા બેનર્જીની અરજી પર પણ તેમની અરજી સાથે સુનાવણી થશે તેવી સંભાવના છે. મમતા બેનર્જીએ આજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખીને રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન અપનાવવામાં આવેલી પદ્ધતિ અને અભિગમ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પત્રમાં મુખ્ય પ્રધાને લખ્યું હતું કે, આ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન અનેક લોકો પરેશાન થયાં છે એટલું જ નહીં પરંતુ આ દરમિયાન 140 લોકોનું મોત પણ થયું હતું.
SIRમાં કાયદા અને નિયમોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું
આરોપ એવો છે કે, SIR લાગુ કાયદા અને નિયમોનું ઘોર ઉલ્લંઘન કરીને લાગુ કરવામાં આવ્યું છે, જેમાં માનવ અધિકારો અને મૂળભૂત માનવ મૂલ્યોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. જેના કારણે હવે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હવે આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે? આ પહેલાના બે કેસ અને મમતા બેનર્જીએ કરેલી અરજી મામલે 4 ફેબ્રુઆરીએ સુનાવણી થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર કેવા આક્ષેપો કર્યાં?
મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ નિર્દેશ કર્યો કે, ભારતના ચૂંટણી ઇતિહાસમાં પહેલી વાર, ભારતીય ચૂંટણી પંચે SIR પ્રક્રિયા દરમિયાન પશ્ચિમ બંગાળમાં આશરે 8,100 નિરીક્ષકો તૈનાત કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આ નિરીક્ષકોની નિમણૂક એકપક્ષીય રીતે પૂરતી તાલીમ અથવા સાબિત કુશળતા વિના કરવામાં આવી રહી છે. આના કારણે વિવાદ વધારે વણસી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં કેવો ચુકાદો આપવામાં આવે છે. થોડા દિવસ પહેલા મમતા બેનર્જી સામે ઈડીએ પણ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.


