CM કેજરીવાલની પત્નીએ મોરચો સંભાળ્યો, PM મોદી પર કર્યા પ્રહાર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે, દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ પક્ષો પણ ઈડીની આ કાર્યવાહી મોદી સરકારના ઈસારે થઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.
સુનીતા કેજરીવાલે દિલ્હીવાસીઓને સંબોધતા કહ્યું કે તમારા ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની પીએમ નરેન્દ્ર મોદીએ સત્તાના ઘમંડમાં ધરપકડ કરાવી છે. તેઓ દરેકને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. તમારા મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે ઉભા રહ્યા છે. અંદર હોય કે બહાર, તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા જનાર્દન છે અને બધું જાણે છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ સુનિતા કેજરીવાલના ટ્વીટને રીટ્વીટ કર્યું છે.
આપણ વાંચો: Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી; પરિવાર નજરકેદ હેઠળ!
આવું પહેલી વખત બન્યું છે કે સીએમ કેજરીવાલના પત્ની તેમના પતિના સમર્થનમાં નિડરતા આગળ આવ્યા હોય. અગાઉ તેઓ માત્ર કેજરીવાલ અને તેમના પક્ષના નેતાઓના વિચારો જ રજુ કરતા જોવા મળતા હતા. જો કે આ વખતે સુનિતા કેજરીવાલના નિવેદનની રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી છે.
દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો કેજરીવાલ સામે ઈડી કોઈ કાર્યવાહી કરે છે તો દિલ્હી સરકાર કે પાર્ટીની કમાન તેમની પત્ની સુનિતા કેજરીવાલ સંભાળી શકે છે. જો કે આ મુદ્દે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આમ આદમી પાર્ટીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે કેજરીવાલ રાજીનામું આપશે નહીં અને જેલમાંથી તેમની સરકાર ચલાવશે.