નેશનલ

CM કેજરીવાલ તિહાર જેલમાં આ 6 લોકોને મળી શકશે, વાંચવા માટે આ 3 પુસ્તકો પણ માંગ્યા

અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, કેજરીવાલને તિહાર જેલ નંબર 2ની બેરેકમાં એકલા રાખવામાં આવ્યા છે. આજે કેજરીવાલ પોતાની પહેલી રાત તિહાર જેલમાં વિતાવશે. કેજરીવાલને જે બેરેકમાં રાખવામાં આવ્યા છે તે 14 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી છે. તેમાં ટીવી લગાવેલું છે, સિમેન્ટનું બનેલું ઊંચું પ્લેટફોર્મ છે. બેરેકની બહાર દરેક સમયે ચાર સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે.

દિલ્હીના સીએમ કેજરીવાલે જેલમાં અભ્યાસ કરવા માટે કોર્ટ પાસેથી 3 પુસ્તકોની માંગણી કરી હતી. કેજરીવાલે રામાયણ, ગીતા અને નીરજા ચૌધરીના પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ્સની માંગ કરી છે. આ સિવાય જેલમાં દવાઓ રાખવાની પરવાનગી માંગવામાં આવી છે.

કેજરીવાલે તેમને જેલમાં મળવા માટે 6 લોકોના નામ આપ્યા છે. નિયમો અનુસાર જેલમાં જતો કોઈપણ કેદી 10 લોકોના નામ જેલ તંત્રને આપી શકે છે જેમને તે જેલમાં હોવા પર મળવા માંગે છે. આ શ્રેણીમાં કેજરીવાલે તિહાર જેલ પ્રશાસનને અત્યાર સુધીમાં માત્ર 6 લોકોના નામ લખાવ્યા છે.

કેજરીવાલે આ 6 નામ આપ્યા છે જેમાં – પત્ની સુનીતા, પુત્ર પુલકિત, પુત્રી હર્ષિતા, મિત્ર સંદીપ પાઠક, પીએ વિભવ કુમાર, તથા અન્ય મિત્રનો સમાવેશ થાય છે.જેલના નિયમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેદી દ્વારા જે પણ નામ આપવામાં આવે છે, તે પછીથી તેની ઇચ્છા મુજબ તેને બદલી શકે છે.

દિલ્હીના કથિત શરાબ પોલીસી કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તપાસ એજન્સી EDએ તેમની ભૂમિકાની તપાસ માટે 9 સમન્સ જારી કર્યા હતા. ઇડીએ ગયા વર્ષે 2 નવેમ્બરે પહેલું સમન્સ મોકલ્યું હતું. પરંતુ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. 21 માર્ચે કેજરીવાલે ધરપકડમાંથી રાહત માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેને હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી.

હાઈકોર્ટના નિર્ણય બાદ EDની ટીમ તે જ દિવસે સાંજે 7 વાગ્યે 10મીએ સમન્સ લઈને કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDની ટીમે કેજરીવાલની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે જેમને પદ પર રહીને ધરપકડ કરવામાં આવી છે. બીજા જ દિવસે, રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા. 28 માર્ચે કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલી દીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button