સીએમના હેલિકૉપ્ટરમાં આવી ખરાબી, કર્યું ઇમરજન્સી લેન્ડિંગ
હૈદરાબાદઃ તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ આજે એક અકસ્માતો ભોગ બનતા સહેજમાં બચી ગયા હતા. મળતા અહેવાલો અનુસાર તેમનું હેલિકૉપ્ટર દેવકદ્રા માટે ટેકઓફ થયું હતું. ત્યાર બાદ થોડી વારમાં જ હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. સમયસૂચકતા વાપરીને પાઇલટે હેલિકૉપ્ટરને ખેતરો તરફ વાળ્યું હતું અને તેનું સુરક્ષીત રીતે લેન્ડિંગ કરાવ્યું હતું. કેસીઆર તેમના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં એક સભાને સંબોધવા જઇ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. ત્યાર બાદ ઉડ્ડયન કંપની દ્વારા કેસીઆર માટે અન્ય હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરને ટેકઓફ કર્યાના 10 મિનિટમાં જ સીએમના ફાર્મહાઉસ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. એલર્ટ પાઇલટે હેલિકોપ્ટરને સીએમ કેસીઆરના ફાર્મ હાઉસ તરફ વાળ્યું હતું અને તેને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું,’ એમ એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અન્ય હેલિકોપ્ટર ટૂંક સમયમાં ફાર્મહાઉસ પર પહોંચ્યું હતું અને કેસીઆરે શેડ્યૂલ મુજબ દિવસની ચૂંટણી રેલીઓ ચાલુ રાખી હતી.
તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે, જેમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા અને મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ (KCR) અને તેમના ભૂતપૂર્વ સાથીદાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ઇટાલા રાજેન્દ્ર વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.
મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ 2018 અને 2014માં પણ ગજવેલથી જીત્યા હતા. તેમણે 2018 માં કોંગ્રેસના વી પ્રતાપ રેડ્ડીને 50,000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2014 માં પણ પ્રતાપ રેડ્ડીએ KCR સામે ચૂંટણી લડી હતી અને લગભગ 20,000 મતોના માર્જિનથી હાર્યા હતા.