લંડનઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી હાલમાં ઇંગ્લેન્ડની મુલાકાતે છે. ડિસેમ્બરમાં ઉત્તરાખંડમાં યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગ સાહસિકોને આમંત્રિત કરવા મુખ્ય પ્રધાન લંડન અને બર્મિંગહામની મુલાકાતે છે. આ અંગે લંડનમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં શિક્ષણ, પ્રવાસન, માહિતી ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રના 80 વિવિધ ઔદ્યોગિક ગૃહોએ ભાગ લીધો હતો. ઇંગ્લેન્ડની મુલાકાતના બીજા દિવસે, તેમણે લંડનમાં વિવિધ કંપનીઓ સાથે રૂ. 4800 કરોડના રોકાણ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.
જારી કરાયેલા એક સરકારી રીલીઝ મુજબ મુખ્ય પ્રધાનની હાજરીમાં રોપવે ક્ષેત્રની પ્રખ્યાત કંપની પોમા ગ્રુપ સાથે રૂ. 2,000 કરોડના રોકાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઔદ્યોગિક જૂથ ‘ક્યાન જેટ’ સાથે રૂ. 3800 કરોડના બે અલગ-અલગ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં સ્કીઇંગ રિસોર્ટ વિકસાવવા માટે કયાન જેટ સાથે રૂ. 2100 કરોડના રોકાણના એમઓયુ અને કેબલ કાર પ્રોજેક્ટ માટે રૂ. 1700 કરોડના રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હરિદ્વાર અને અન્ય જિલ્લાઓમાં રોપવે વિકસાવવા માટે રોપવેના ક્ષેત્રમાં અગ્રણી ઉષા બ્રેકો લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યો હતો. ઉષા બ્રેકો સાથે રૂ. 1000 કરોડના રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાને રોડ શોમાં ભાગ લેવા ઉપરાંત રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ માટે લંડનના અનેક અગ્રણી ઔદ્યોગિક ગૃહો સાથે બેઠકો યોજી હતી. આ દરમિયાન ધામીની હાજરીમાં વિવિધ કંપનીઓ સાથે રૂ. 4800 કરોડના રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમય દરમિયાન ધામી અને તેમની સાથેના પ્રતિનિધિમંડળે લંડનમાં સંસદ ભવનની પણ મુલાકાત લીધી હતી અને બ્રિટિશ સંસદના સભ્યો સાથે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉત્તરાખંડને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવા માટે સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ‘વેલનેસ’ ટુરિઝમ અને ગ્રામીણ પર્યટન માટે ઘણી શક્યતાઓ છે. ઋષિકેશને યોગ અને આધ્યાત્મિકતાની વૈશ્વિક રાજધાની ગણાવતા ધામીએ કહ્યું હતું કે દર વર્ષે યુરોપિયન દેશોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉત્તરાખંડમાં યોગ અને આધ્યાત્મિકતા માટે જાય છે. તેમણે કહ્યું હતું કે આને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ઋષિકેશ અને અન્ય સ્થળોએ વિશ્વ સ્તરીય સંમેલન કેન્દ્રો સ્થાપવા માટે રોકાણકારો સાથે વાત કરી રહી છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં યોજાનારી રોકાણકારોની કોન્ફરન્સમાં રૂ. 2.5 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે રાજ્યના અર્થતંત્રને નવી ગતિ આપવામાં મદદરૂપ સાબિત થશે.