નેશનલ

વિધાનસભાની ચૂંટણી લડવા 40 લાખની જરુરઃ આતિશિએ દિલ્હીવાસીઓને ‘દાન’ આપવાની કરી અપીલ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમનેસામને આવી ગયા છે. દિલ્હીને જીતવા આમ આદમી પાર્ટીએ હવે ભંડોળ ખર્ચવા માટે જાહેર જનતાને મદદ કરવાની અપીલ કરીને સૌને ચોંકાવ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લોકો માટે સહાયનો પટારો ખોલનાર આમ આદમી પાર્ટી (આપ)નાં નેતા અને દિલ્હીના કાલકાજી વિધાનસભા બેઠકનાં ઉમેદવાર મુખ્ય પ્રધાન આતિશીએ ચૂંટણી લડવા માટે લોકો પાસે મદદનો હાથ લંબાવ્યો છે. આજે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી ખર્ચ માટે ‘ક્રાઉડ ફંડિંગ’ અભિયાનનું શરૂઆત કરી છે. આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે દિલ્હી અને સમગ્ર દેશના સામાન્ય લોકો પાસેથી ચૂંટણી લડવા માટે ‘ક્રાઉડ ફંડિંગ’ની અપીલ કરી હતી.

આ પણ વાંચો: Delhi વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ

ફંડ માટે એક ઓનલાઈન લિંક જાહેર
એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય પ્રધાન આતિશીએ ફંડ માટે એક ઓનલાઈન લિંક જાહેર કરી અને કહ્યું કે ચૂંટણી લડવા માટે તેમને 40 લાખ રૂપિયાની જરૂર છે. તેમણે કહ્યું કે AAP હંમેશા સામાન્ય માણસના નાના ફંડની મદદથી ચૂંટણી લડી છે, જેના કારણે તેને કામ અને ઈમાનદારીની રાજનીતિ કરવામાં મદદ મળી છે. દિલ્હીવાસીઓ 100 અથવા 1000 રૂપિયાનું દાન આપીને મદદ કરી શકે છે.

પગારથી અમારું ઘર ચલાવીએ છીએ
મુખ્ય પ્રધાન આતિશીએ કહ્યું, “અમે અમારા પગારથી અમારું ઘર ચલાવીએ છીએ, અમે 10 વર્ષ સુધી ઈમાનદારીથી કામ કર્યું છે. અમે ભ્રષ્ટાચાર દ્વારા એક પણ પૈસો કમાયા નથી. તેથી જ અમે જનતાના ફંડ અને સમર્થનથી ચૂંટણી લડીશું. આમ આદમી પાર્ટી હંમેશા તેના ચૂંટણી પ્રચાર માટે જનતાના ફંડ પર આધાર રાખે છે અને મોટા ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લેવાનો ઇનકાર કરે છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીએ લોકોના “નાના ફંડ” થી છેલ્લી ચૂંટણી જીતી હતી. આતિશીએ કહ્યું કે જ્યારથી AAP સરકાર બની છે, ત્યારથી દિલ્હીના સામાન્ય લોકોએ પાર્ટીને ટેકો આપ્યો છે.

ભાજપ પર સાધ્યું નિશાન
ભાજપ પર નિશાન સાધતા આતિશીએ કહ્યું, “તેમણે તેમના મિત્રો પાસેથી અને સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા પૂરતા પૈસા ભેગા કર્યા હશે અને તેમને ચૂંટણી લડવા માટે નાણાં ભેગા કરવાની જરૂર નથી.” કાલકાજી વિધાનસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહેલી આતિશીની લડત ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના ઉમેદવાર રમેશ બિધુરી સામે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button