
રામબન : દેશના પહાડી રાજયોમાં કુદરતનો કહેર યથાવત છે. જેમાં મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના રામબન જીલ્લામાં વાદળ ફાટ્યું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
તેમજ અનેક લોકો ગુમ થયા છે. આ દુર્ઘટનાની જાણ થતા બચાવ અને રાહત દળ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ શરુ કરવામાં આવી છે.
રામબનના ગડગ્રામમાં વાદળ ફાટવાની ઘટના બની
આ દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓ જણાવ્યું કે રામબનના ગડગ્રામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં ત્રણ શબ મળી આવ્યા છે. જયારે બે લોકો ગુમ છે. તેમજ બે અન્ય ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી અધિકારીઓ રાત્રે બે વાગ્યેની આસપાસ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર વહીવટીતંત્ર કામે લાગ્યું છે. તેમજ લોકોને જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.
કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 60 લોકોના મોત થયા હતા
જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં વાદળ ફાટવાની ઘટનાઓથી તબાહી મચી છે. કિશ્તવાડ જીલ્લામાં ચોસિતી ગામમાં મચેલ માતા મંદિરના માર્ગ પર વાદળ ફાટવાની ઘટનાથી ભયાવહ સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.
આ દુર્ઘટના 15 ઓગસ્ટના રોજ થઈ હતી. જેમાં 60 લોકોના મોત થયા હતા. જેમાં બે સીઆઈએસએફ જવાનનો પણ સમાવેશ થાય છે. તેમજ તેમાં 50થી વધુ ગુમ છે. જયારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ વાદળ ફાટવાની અનેક ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ વાદળ ફાટવાની અનેક ઘટનાઓ બની છે. જેમાં કિશ્તવાડ, કઠુઆ અને ડોડા જીલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના અનેક જીલ્લાઓ ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી હતી. તેમજ અનેક જીલ્લામાં પુરની સ્થિતિ ઉભી થઈ છે.
આ પણ વાંચો…જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, 10 થી વધુ ઘરોને નુકસાન ચાર લોકોના મોત…