હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું, ત્રણ લોકોના મોત…

મંડી : હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાં વાદળ ફાટવા બાદ આજે સવારે ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલનથી અનેક ઘરો અને વાહનોને નુકસાન થયું છે. તેમજ ભૂસ્ખલન બાદ મંડી શહેરના જેલ રોડમાં પાણીના પ્રવાહમાં તણાવાથી ત્રણ લોકોના મોત થયા છે.
વાદળ ફાટતા મંડીની હાલત વધુ વિકટ બની
હિમાચલ પ્રદેશમાં બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જયારે મંડીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પુરની સ્થિતિ છે. જે દરમિયાન વાદળ ફાટતા મંડીની હાલત વધુ વિકટ બની છે. વાદળ ફાટતા જેલ રોડ પર પાણીનો પ્રવાહ અચાનક વધ્યો હતો.

તેમજ જેલ રોડ પર અમુક લોકો પોતાની ફસાયેલી ગાડીઓ નીકાળવા પહોંચ્યા હતા. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ આવતા લોકો તણાયા હતા. જેની બાદ જીલ્લા વહીવટીતંત્રએ આ લોકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે, બે શબ મળી આવ્યા છે તેમજ એક શબ ગાડીઓની વચ્ચે ફસાયેલું છે.

મંડીમાં ભારે વરસાદના પગલે બે મુખ્ય નેશનલ હાઈવે બંધ
મંડીના જેલ રોડ પર પોલીસ અને એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. મંડીના એસપી સાક્ષી વર્મા સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મંડીમાં ભારે વરસાદના પગલે બે મુખ્ય નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ચંદીગઢ મનાલી અને પઠાણ કોટ-મંડી નેશનલ હાઈવે રાતથી બંધ છે.

જયારે ચંદીગઢ -મનાલી નેશનલ હાઈવે, દવાડા, જલોગી અને અન્ય સ્થળો પર ભૂસ્ખલન થયું છે. તેમજ હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જેના લીધે રાહત કાર્યમાં મુશ્કેલીઓ પડી રહી છે.