
ભારતના પર્વતી વિસ્તારમાં આ વર્ષે આશ્ચર્યજનક રીતે કુદરતી આફતોનો કહેર વર્તાઈ રહ્યો છે. ખાસ કરી આકાશી આફતનો કહેર જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ અને પંજાબમાં જોવા મળી રહ્યો છે. એવામાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બુધવારે મોડી રાત્રે કુંતરી અને ધુર્મા ગામોમાં વાદળો ફાટવાની ઘટના બની હતી. આ ઘટનામાં લગભગ અત્યાર સુધીમાં 10 લોકો ગુમ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાંથી બે લોકોનો સુરક્ષા દળોએ આબાદ બચાવ કર્યો છે.
આ ઘટનાનું મુખ્ય કેન્દ્ર નંદપ્રયાગની નજીકના કુંતરી લગાફાલી વોર્ડમાં જોવા મળ્યું, જ્યાં ભારે વરસાદથી પર્વતોમાંથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહથી છ ઘરોને તબાહ થઈ ગયા. આમાં પાંચ વ્યક્તિઓ ગુમ થયા હોવાની જાણકારી છે, જ્યારે બેને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ત્યારબાદ ધુર્મા ગામ પણ આ આફતથી પ્રભાવિત થયું હતું. જ્યાં લગભગ પાંચ ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ બંને સ્થળોએ રાતના સમયે આવેલા આ પાણીના ભારે પ્રવાહએ લોકોના જીવનને જોખમમાં મુકી દીધા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન દળોએ તરત જ રાહત અને બચાવ કાર્ય આદર્યું હતું. જ્યારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળની એક ટુકડી ગોતરથી નંદપ્રયાગ તરફ રવાના થઈ છે. મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તબીબી ટીમ સાથે ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે, જેથી ઘાયલોને તાત્કાલિક મદદ મળી શકે. આ ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા અને ગુમ થયેલા લોકોની શોધ કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ ઘટના વચ્ચે હવામાન વિભાગ દ્વારા દેરાદૂન, હરિદ્વાર, પૌડી ગઢવાલ, ઘનસાલી, શિવપુરી, દેવપ્રયાગ, ઋષિકેશ, ચંબા, મસૂરી અને ધનોલતી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સ્થાનિક વહીવટ હાલ આ કુદરતી આફતથી થયેલા નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરી રહી છે. જેના આંકડા બચાવ કાર્ય પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે. આવી પરિસ્થિતિઓમાં લોકોને સાવચેત રહેવાની અને વહીવટી માર્ગદર્શનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.