Delhi-NCRમાં ખુશનુમા વાતાવરણ,પવન સાથે ભારે વરસાદ

નવી દિલ્હીઃ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ઘેરા ઘનઘોર વાદળો દેખાયા હતા. ભારે પવનના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી, તો વરસાદને કારણે વાતાવરણ વધુ ખુશનુમા બની ગયું હતું.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ પડશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે છે.