
મણિપુરઃ ભારતીય સેના (Indian Army) દરેક ક્ષેત્રમાં ભારતની રક્ષા કરવા માટે કટીબદ્ધ રહે છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં કાલે આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ (Militants) વચ્ચે અથડામણ થઈ હતા. આ દરમિયાન ભારતીય સેના પર કેટલાક હથિયારધારી ઉગ્રવાદીએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેથી આસામ રાઇફલ્સે (Assam Rifles) તેનો જવાબ આપ્યો હતો. જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યાં હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. મહત્વની વાત છે કે, પહેલા ઉગ્રવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેથી આસામ રાઇફલ્સના જવાનોએ ઉગ્રવાદીઓને ઠાર કર્યાં હતાં.
સેનાએ જવાબી ફાયરિંગમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યા
આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલ અથડામણ મામલે સેનાના પૂર્વીય કમાન્ડે એક્સ પર એક પોસ્ટ શેર કરીને વિગતો આપી હતી. એેક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભારત-મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લાના ખેગજોય તહસીલના ન્યૂ સમતાલ ગામ નજીક સશસ્ત્ર કેડર્સની હિલચાલ વિશે ખાસ ગુપ્ત માહિતી મળી હતી. તેના પર કાર્યવાહી કરવામાં આવતા 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.’
સંયમ અને રણનીતિ સાથે સેનાએ ઉગ્રવાદીઓને આપ્યો જવાબ
મણિપુરના ચંદેલ જિલ્લામાં આ કાર્યવાહી અંગે, ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સ્પીયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મે 2025 ના રોજ એક કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ કેડરોએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી દરમિયાન સંયમ અને રણનીતિ સાથે ફાયરિંગ કર્યું હતું. જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ ઉગ્રવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન પણ મળી આવ્યો હતો.
આપણ વાંચો: એફઆઈઆર નોંધાતા ભાજપ નેતાને થયું ભાન! એક્સ પર પોસ્ટ કર્યો માફી માંગતો વીડિયો
સર્ચ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ સેના પર કર્યું ફાયરિંગ
આ વિસ્તારમાં હજી પણ વધારે ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાની સેનાને આશંકા હોવાથી આસામ રાઇફલ્સે સર્ચે ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવતા ઉગ્રવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર અને ભારતીય સેનાએ મ્યાનમાર અંગે એક ઐતિહાસિક નિર્ણય લીધો અને મ્યાનમાર સરહદને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે. હવે અહીં મુક્ત અવરજવરનો અંત લાવી દેવામાં આવ્યો છે. આનો નાગા અને કુકી જનજાતિના લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ ભારત સરકાર રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.