કૂપવાડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir) સતત વધી રહેલી આતંકી હુમલાઓ વચ્ચે આજે નિયંત્રણ રેખા નજીક કુપવાડા જિલ્લામાં આજે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મેજર સહિત પાંચ જવાનો ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે. આ ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુપવાડામાં છેલ્લા એક મહિનામાં આ ચોથી આતંકી ઘટના છે.
સૈનિકોએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સૈનિકો તહરગામ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સેનાને કુમકડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જેની બાદ સૈનિકોએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં એક મહિનામાં નવમો હુમલો
બુધવારે કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. એક જવાન પણ ઘાયલ થયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સેનાએ કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી આ અથડામણ થઈ હતી.