
મુંબઈ: 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો શતાબ્દી સમારોહ યોજાવાનો છે, આ કાર્યક્રમ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈને મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને કારણે વિવાદ ઉભો થયો હતો. ગઈ કાલે બુધવારે કમલતાઈએ પત્ર લખીને જણાવ્યું કે તેમણે કાર્યક્રમમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ મુજબ આરોપો અને બદનક્ષીને કારણે કમલતાઈ આ નિર્ણય લીધો છે. તેમણે પત્રમાં લખ્યું, “મને આમંત્રણ મળ્યું હોવાના સમાચાર પ્રકાશિત થતાં જ, ઘણા લોકોએ ફક્ત મારા પર જ નહીં પરંતુ સ્વર્ગસ્થ દાદાસાહેબ ગવઈ (તેમના પતિ, બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ આર.એસ. ગવઈ) પર પણ આરોપ લગાવવાનું અને ટીકા કરવાનું શરૂ કર્યું.”
તેમણે લખ્યું, “અમે (ડૉ. ભીમ રાવ) આંબેડકરની વિચારધારા અનુસાર અમારું જીવન જીવ્યા છીએ, જ્યારે દાદાસાહેબ ગવઈએ પોતાનું જીવન આંબેડકરવાદી ચળવળને સમર્પિત કરી દીધું હતું. વિવિધ વિચારધારાઓવાળા પ્લેટફોર્મ પર પોતાની વિચારધારા રજુ કરવી કરવી પણ મહત્વપૂર્ણ છે, જેના માટે હિંમતની જરૂર છે. જો હું સ્ટેજ પર હોત, તો મેં આંબેડકરવાદી વિચારધારા રજૂ કરી હોત. “
તેમણે લખ્યું કે તેમના સ્વર્ગસ્થ પતિને બદનામ કરવાના પ્રયાસો થયા, જેને કારણે તેમને ખૂબ જ દુઃખ થયું અને તેમણે કાર્યક્રમમાં ન જવાનું નક્કી કર્યું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ બીમાર છે અને સારવાર હેઠળ છે.