‘વકીલો કામ કરવા નથી માંગતા, દોષ અમારા પર આવે છે’ CJI ગવઈ કેમ ગુસ્સે થયા?

નવી દિલ્હી: તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક જાહેરનામું બહાર પડી જાણ કરી હતી કે આગામી ઉનાળાના વેકેશન દરમિયાન પણ ન્યાયાધીશોની બેન્ચ કામ કરશે. 26 મે થી 13 જુલાઈ સુધીના સમયગાળાને “પર્શીયલ કોર્ટ વર્કિંગ ડેય્ઝ” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એક વકીલે અરજીની સુનાવણી ઉનાળાના વેકેશન પછી રાખવા માટે અપીલ કરતાં ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે તેને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું જે વકીલો રજાઓ દરમિયાન કામ કરવા માંગતા નથી, બાદમાં પેન્ડિંગ કેસ માટે કોર્ટને દોષી ઠેરવવામાં આવે છે.
CJI બી આર ગવઈએ કહ્યું, “પાંચ ન્યાયાધીશો રજાઓ દરમિયાન પણ સુનાવણી માટે બેસવાના છે, છતાં પેન્ડિંગ કેસ માટે અમને દોષી ઠેરવવામાં આવે છે. જ્યારે હકીકત એ છે કે વકીલો રજાઓ દરમિયાન કામ કરવા માંગતા નથી.”
વેકેશનમાં પણ સુનાવણી ચાલુ રહેશે:
પર્શીયલ કોર્ટ વર્કિંગ ડેય્ઝ દરમિયાન બે થી પાંચ વેકેશન બેન્ચ બેસશે. મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટના ટોચના પાંચ ન્યાયાધીશો આ સમયગાળા દરમિયાન અદાલત ચલાવશે. 26 મે થી 1 જૂન સુધી, સીજેઆઈ ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ બીવી નાગરત્ના અનુક્રમે પાંચ બેન્ચનું નેતૃત્વ કરશે. પહેલાની પ્રથા મુજબ, ઉનાળાના વેકેશન દરમિયાન, ફક્ત બે વેકેશન બેન્ચ રહેતી હતી અને વરિષ્ઠ ન્યાયાધીશોની કોર્ટ યોજાતી ન હતી.
આ સમયગાળા દરમિયાન,સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખુલ્લી રહેશે. રજિસ્ટ્રી તમામ શનિવાર (12 જુલાઈ સિવાય), રવિવાર અને જાહેર રજાના દિવસે બંધ રહેશે.