મહિલાનો ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો તો જેલની સજા થઇ શકે છે! જાણો શું છે કાયદો?

બેંગલુરુ: મહિલાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું એક યુવકને ભારે પડી ગયું. એક યુવતીએ દાવો કર્યો હતો કે તેની જાણ વગર શહેરના ચર્ચ સ્ટ્રીટ પર તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને પરવાનગી વગર સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. મહિલાની પ્રાઈવસી ભંગ કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સાથે પર્સનલ પ્રાઈવસી અને સોશિયલ મીડિયાના એથિક્સ અંગે ચર્ચા શરુ થઇ છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વિડીયો અપલોડ કરવાથી ગુનો કેવી રીતે બને? તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની કલમ 21માં આપવામાં આવેલા જીવન જીવનના મૂળભૂત અધિકારોમાં ગોપનીયતા એટલે કે પ્રાઈવસીના અધિકારનો પણ સમાવેશ થાય છે.
3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે:
જો કોઈ નાગરિકની પ્રાઈવસીના અધિકારનું ઉલંઘન કરવામાં આવે તો તે ન્યાય માંગી શકે છે. જો કોઈ પરવાનગી વિના કોઈના ફોટો કેપ્ચર કરે કે વિડિયો રેકોર્ડ કરે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે તો તેને પ્રાઈવસીના અધિકારનું ઉલંઘન માનવામાં આવશે. આવી સ્થિતિમાં અપલોડ કરનાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ શકે છે અને કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.
આવા કેસમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 હેઠળ કાર્યવાહી થઇ શકે છે. આ કાયદાની કલમ 66E મુજબ પરવાનગી વિના વ્યક્તિના ફોટા લેવા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધિત છે અને પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. ગુનો સાબિત થાય તો ગુનેગારને 3 વર્ષ સુધીની જેલ અથવા 2 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.