
નવી દિલ્હીઃ 2011માં 263 ચીની નાગરિકોને વિઝા આપવામાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમને નિયમીત જામીન આપ્યા હતા. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કેસના વિશેષ ન્યાયાધીશ જસ્ટિસ કાવેરી બાવેજાએ આ કેસમાં ત્રણ આરોપીઓને રૂ. 1 લાખના વ્યક્તિગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા.
EDએ કાર્તિ ચિદમ્બરમ અને અન્ય આરોપીઓ સામે 2011 માં 263 ચીની નાગરિકોને વિઝા આપવા સંબંધિત કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. તે સમયે તેમના પિતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહ પ્રધાન હતા. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર બાદ ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ તેનો કેસ નોંધ્યો હતો.
ચિદમ્બરમે તામિલનાડુના શિવગંગા લોકસભા મતવિસ્તારમાંથી હમણાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીઓમાં AIADMKના ઝેવિયરદાસને 2,05,664 મતોના માર્જિનથી હરાવ્યા હતા.