India-China Relations: બંને દેશના સંબંધો સુધારવાની દિશામાં ચીને આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈ: ભારત અને ચીન વચ્ચેના સરહદી સંબંધો હંમેશાં વિવાદમાં રહેતા હોય છે ત્યારે તાજેતરમાં બંને દેશ વચ્ચેના સંબંધો વધુ સુમેળ બને એ દિશામાં ચીનના કોન્સલ જનરલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ચીન-જાપાન યુદ્ધ દરમિયાન ભારતે કરેલી સહાયને યાદ કરી ચીનના કોન્સલ જનરલ કોન શિયાનહુઆએ જણાવ્યું છે કે બંને પાડોશી દેશના નાગરિકો વચ્ચેનું અંતર દૂર કરવા માટે તેમનો દેશ ભારત સાથે કામ કરવા તૈયાર છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ રાજદ્વારીએ ગુરુવારે ભારતીય તટરક્ષક મુખ્યાલય (પશ્ચિમ)ની મુલાકાત લીધી હતી અને છેલ્લા બે વર્ષમાં ચીનના નાવિકોને બચાવવા માટે દરિયાઈ સુરક્ષા સંસ્થાનો આભાર માન્યો હતો.
કોન્સલ જનરલ કોનએ ભારતીય તટરક્ષક દળ (પશ્ચિમ)ના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ ભીષ્મ શર્મા સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે ચીન બંને દેશોના લોકો વચ્ચેનું અંતર દૂર કરવા અને મિત્રતાને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા ઉત્સુક છે. ‘આપણા દેશના લોકો ભાઈચારાની જેમ વર્તશે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : બે દિવસમાં ત્રણ દુશ્મનોને ઉડાવી દીધા બાદ Israel હાઇ એલર્ટ પર, અમેરિકા મદદ માટે તૈયાર
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 24મી જુલાઈએ ગંભીર રીતે ઘાયલ થયેલા અને શરીરમાંથી ખૂબ લોહી વહી ગયું હતું એવા ચીની નાવિકને ભારતીય તટરક્ષક દળ અને ભારતીય નૌકાદળે સંયુક્ત અભિયાન હાથ ધરી ઉગારી લીધો હતો.
નિવેદન અનુસાર કોને આઈજી શર્માને જણાવ્યું હતું કે ‘આજે હું મુંબઈમાં ચીની કોન્સ્યુલેટ જનરલ વતી તમારો અને તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભારતીય તટરક્ષક દળને બિરદાવું છું.’ તેમણે યાદ અપાવ્યું હતું કે 1938માં એક ભારતીય તબીબી મિશન ચીનના લોકોને જાપાની આક્રમણ સામે લડવામાં મદદ કરવા ચીન ગયું હતું.
મહારાષ્ટ્રમાં આવેલા સોલાપુરના ડોક્ટર કોટનીસે ચીનની પ્રજાની મુક્તિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. રાજદ્વારીએ જણાવ્યું હતું કે ઘણા ચીની લોકોએ પણ ભારતની સ્વતંત્રતા માટે જોરદાર સમર્થન આપ્યું હતું.
હાલના સંદર્ભમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા હાથ ધરવામાં આવેલા ચીની નાગરિકો માટે આ બચાવ અભિયાન ખૂબ જ મહત્વ ધરાવે છે અને બંને પાડોશી વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવે છે એમ પણ તેમણે જણાવ્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં ભારતીય તટરક્ષક દળે 27 ચીની નાગરિકોને બચાવ્યા છે.
(પીટીઆઈ)