નવી દિલ્હી : ઇઝરાયેલે(Israel)બે દિવસમાં તેના ત્રણ દુશ્મનોનો ખાતમો કરી દીધો છે. જેમાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની ઇરાનની અંદર હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેના લશ્કરી વડા મોહમ્મદ ડેઇફની પણ જુલાઈમાં હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં ઇઝરાયલે લેબનોનના બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને પણ મારી નાખ્યો છે. ત્યારથી પશ્ચિમ એશિયામાં તણાવનું વાતાવરણ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ બદલો લેવાની વાત કરી છે. ત્યારથી ઈઝરાયેલની સેના હાઈ એલર્ટ પર છે. ઈઝરાયેલને લાગે છે કે આ ત્રણ લોકોની હત્યા કર્યા બાદ હવે તે ઈરાન માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે.
ઈઝરાયેલમાં કેટલાક વધુ હથિયારો તૈનાત
ઈરાન પોતાની જાતને મજબૂત બતાવવા માટે તે આગામી થોડા દિવસોમાં ઈઝરાયેલ પર ચોક્કસપણે હુમલો કરશે. ઈઝરાયેલનું કહેવું છે કે અમે હાઈ એલર્ટ પર છીએ અને ખતરાનો સામનો કેવી રીતે કરવો તે જાણીએ છીએ. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાત કરી છે. બિડેને કહ્યું કે અમે ઇઝરાયેલની સાથે છીએ અને દરેક પરિસ્થિતિમાં બચાવ કરવા તૈયાર છીએ. આશંકા છે કે ઇઝરાયેલ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને અમેરિકા દ્વારા ઈઝરાયેલમાં કેટલાક વધુ હથિયારો તૈનાત કરવામાં આવી શકે છે.
હિઝબુલ્લાહ પણ વિશ્વનું સૌથી મોટું સશસ્ત્ર આતંકવાદી જુથ
અહેવાલ છે કે ઇઝરાયેલ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાણ બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. કારણ કે ઈરાન અને હિઝબુલ્લા સાથે મળીને હુમલો કરી શકે છે. એક તરફ ઈરાન પાસે મોટી સેના અને હથિયારો છે તો બીજી તરફ હિઝબુલ્લાહ પણ વિશ્વનું સૌથી મોટું સશસ્ત્ર આતંકવાદી જૂથ છે. આ પહેલા પણ ઈરાન દ્વારા 13-14 એપ્રિલે ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર આવો જ હુમલો થવાની સંભાવના છે.